તા. 26મી જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાકક્ષાનું પ્રજાસત્તાક પર્વ ધંધૂકામાં ઉજવાશે. જેને લઈ તૈયારીઓએ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.જિલ્લા કલેકટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી. ધંધૂકા કિકાણી કોલેજના મેદાનમાં રાષ્ટ્રીય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરાશે.
ધંધુકા કિકાણી કોલેજના મેદાનમાં આગામી પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાના ઉત્સવની ઉજવણી કરાશે. જેને લઈ જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે., ડીડીઓ, એસપી ઓમપ્રકાશ જાટ, પ્રાંત અધિકારી વિદ્યાસાગર, એએસપી ધંધૂકા જોશી, માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ સરકારી વિભાગોની કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. ગણતંત્ર પર્વની ઉજવણીને લઈ તમામ તૈયારીઓ માટે કામોની વહેંચણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંભવતઃ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજ વંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કરવામાં આવશે. તેમજ વિવિધ સાંસ્કૃતિક, સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે.










