ધોળકાના મોટીબોરું ખાતે આવેલ ખેડૂતોની જમીનોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 765 કેવી સબ સ્ટેશનના બાંધકામ જાહેર હેતુ માટે ખેતીની જમીન સંપાદન સામે વાંધા અરજી લઈને મોટીબોરું ગામના ખેડૂતો ખાતેદારો સોમવારે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જમીન બચાવો, કુદરતી સંપત્તિનું નિકંદન અટકાવો, ખેતી બચાવો સાથેના બેનર, પોસ્ટર લઈને વાંધા અરજી આવેદન સાથે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
મોટીબોરું ગામે આવેલ ખેડૂતોની ખેતીવાડી માટેની જમીનમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 765 કે.વી સબ સ્ટેશનના બાંધકામના જાહેર હેતુ માટેની ખેતીની જમીન સંપાદન સામે વાંધા અરજી સાથે પહોંચ્યા હતા. જેમાં જણાવ્યા હતું કે તેમના ગામની ખેતીની ફ્ળદ્રુપ જમીન ખેડૂતોની કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વિના કે ખેડૂત ખાતેદારોને અંધારામાં રાખીને પાવર સપ્લાયના સબ સ્ટેશનના બાંધકામ માટે સરકાર દ્વારા સંપાદન કરવામાં આવી રહેલ છે. જેની સામે તમામ ખેડૂતોએ વાંધો રજૂ કર્યો હતો. ખેતીની જમીનોમાં સંપાદન કરવા સારૂ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્રારા કાર્યવાહી કરવામાં આવેલ છે. આ જમીન સંપાદનના કારણે કેટલાક ખેડૂતો બિન ખેડૂત પણ જાહેર થઇ રહયા છે. ત્યારે આમ થવાથી ખેડૂતોની રોજી રોટી છીનવાઇ જશે અને તેમના પરિવારને ખેતીની ઉપજમાંથી થતી આવક બંધ થઇ જશે. એટલું જ નહીં આવું સબ-સ્ટેશન કરવા સારુ જો જમીનની જ જરૂરિયાત હોઇ તો તેમના ગામથી દક્ષિણ તરફ તથા બાજુના ગામની પડતર વિશાળ જમીનો કે જેના સર્વે નં. 21,24 તથા 1197 છે. તેવી પડતર જમીનમાં આવુ સબ-સ્ટેશન ઉભુ કરવાથી ખેતી લાયક જમીન બચી શકે તેમ હોવાની રજૂઆત આવેદનપત્રના માધ્યમથી કરાઈ હતી. તેમજ સદરહુ પાવર ગ્રીડકોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. અથવા વટામણ ટ્રાંસમિશન લિ.ના 765 કે.વી. સબ સ્ટેશનના બાંધકામ કરવા માટેના આ સંપાદન કરતુ જાહેરનામું રદ કરવામાં આવે તેવી ગ્રામજનોએ વધુમાં માંગ કરી હતી.
