હવે ધોળકા તાલુકાના ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે સરકાર સામે પડ્યા છે, ધોળકાના મોટી બોરું ગામમાં પાવરગ્રીડ સ્ટેશન પ્રોજેક્ટથી ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર છે, જેને લઈને ખેડૂતોમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની વારસાગત જમીનોમાં આ પ્રોજેક્ટ લાવવાના બદલે ગામમાં સરકારી પડતર જમીનમાં આ પ્રોજેક્ટ લાવવામાં આવે તેવી માગ ખેડૂતોએ કરી છે.


ફળદ્રુપ જમીન પચાવી પાડવા માટે ખોટા રિપોર્ટ બનાવવામાં આવ્યા: ખેડૂતો

આ સાથે જ ખેડૂતોએ અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે ખેડૂતોની ફળદ્રુપ જમીન પચાવી પાડવા માટે ખોટા રિપોર્ટ બનાવવામાં આવ્યા છે. પાવરગ્રીડ પ્રોજેક્ટમાં ગામના અનેક ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર છે, જેનાથી આ ગામના ખેડૂતો બેરોજગાર બનશે તે બાબતે પણ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

સાબરકાંઠાના બામણા ગામે વનવિભાગે 75 હેકટર ગૌચર જમીન પચાવી પાડી

બીજી તરફ હિંમતનગર તાલુકાના બામણા ગામમાં 75 હેકટર ગૌચર જમીન ફોરેસ્ટ વિભાગે પચાવી પાડી વનીકરણની કામગીરી શરૂ કરતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે, જોકે આ અંગે વારંવાર રજુઆત કરી હોવા છતાં આજ દિન સુધી વન વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય ન લેવાતાં આજે ગ્રામજનો હિંમતનગર આવી પહોંચ્યા હતા. તેમજ નાયબ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા માટે વિવિધ પ્રકારના બેનરો સહિત સુત્રોચાર સાથે પગપાળા રેલી યોજી હતી, તેમજ ન્યાય માટે અધિક કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

ગ્રામજનોની હાલત કફોડી બની

જેમાં ગામની એક બાજુ મોટું હાથમતી જળાશય આવેલું છે તો બીજી બાજુ મોટો ડુંગર આવેલો છે. ગામના પશુઓ માટે એક માત્ર આધાર ગામનું ગૌચર હતું અને તે ગૌચર ફોરેસ્ટ વિભાગે પચાવી પડતા ગ્રામજનોની હાલત કફોડી બની છે, જોકે આગામી 30 દિવસમાં ગામના ગૌચરનો પ્રશ્ન ન ઉકેલાય તો જિલ્લા કલેકટર કચેરીએ તમામ ગ્રામજનો પોતાના પશુઓ સાથે તંબુ નાખવાની ચીમકી ઉચ્ચારી છે.


  • Follow us on: