ધોળકામાં ભાડાના મકાનમાં રહેતા મુળ બિહારના એક શ્રમિક પરિવારની દિકરી ગળાફાંસો ખાદ્યેલી હાલતમાં એક ઓરડામાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં ટાઉન પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ આદરી હતી.
જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરીને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો ખેલ કરાયો હોવાનું તપાસમાં સામે આવતા પોલીસે પરપ્રાંતિય શખ્સની ધરપકડ કરીને વધુ ઝીણવટભરી તપાસ આદરી છે.ચકચારી બનાવ અંગેની પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ધોળકા ખાતે ભાડાના મકાનમાં રહેતો એક બિહારી પરિવાર મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. આજ મકાનના અન્ય રૂમમાં એક બિહારી પુરૂષ પણ ભાડેથી રહે છે. ગત તા. 16મી ફેબ્રુઆરીએ સવારે પીડિતાના માતા-પિતા મજૂરી કામ પર ગયા હતા. તેમનાં મકાનમાં જ અન્ય એક રૂમ રાખીને ભાડેથી રહેતો આરોપી પણ એક કંપનીમાં મજૂરી કરતો હોય તે પણ કંપનીમાં ગયો હતો. પરંતુ ઘરે ચશ્માં ભૂલી ગયો હોય તેમ જણાવી નોકરીથી પરત ઘરે આવી ગયો હતો. અને બપોરના સમયે સગીરાની એકલતાનો લાભ લઇ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને સાડી વડે સગીરાએ ગળાફંસો ખાધો હોય તેવી હાલતમાં લટકાવી દઈને આત્મહત્યા કરી હોય તેવું ચિત્ર ઉભું કર્યું હતું. રાત્રે પીડિતાના માતા-પિતા મજૂરી કામ પરથી પોતાનાં ઘરે પરત આવતા આરોપીએ જણાવેલ કે તમારી દીકરી મકાનની અંદર છે અને દરવાજો ખોલતી નથી. દરવાજો ખોલતા સગીરા ગળે ફંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં મળતા ધોળકા ટાઉન પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે FSLની પણ મદદ લીધી હતી. પેનલ ડોક્ટરની ટીમ પાસે પીએમ કરાવ્યું હતું. સગીરા પર દુર્ષ્ક્મ આચરી મોતને ઘાટ ઉતારનાર રણવિજયસિંગ હરીનંદનસિંગ કુસ્વા(ઉ.વ.48, મુળ રહે. બિહાર)ની ધરપકડ કરીને ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










