સુરતમાં મોટા વરાછાના હીરા વેપારી સાથે રૂપિયા 75 લાખની ઠગાઈ થઈ છે, આફ્રિકન રફ આપવાના નામે 75 લાખની ઠગાઈ થઈ છે જેમાં 3 કરોડમાં 5 હજાર કેરેટ રફ આપવાની લાલચ આપી છે, આલીપોરના NRI અબ્દુલ અઝીઝ સામે ફરિયાદ નોધાતા ઉત્રાણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ડભોલીના ઘનશ્યામ નાયાણીએ પણ નોંધાઈ ફરિયાદ.
આફ્રિકાથી હીરાની રફ લાવી આપવાની કરી હતી વાત
મોટા વરાછાના હીરાના વેપારીને ભટકાયેલા બે ઠગોએ આફ્રિકાથી હીરાની રફ લાવી આપવાની લાલચ આપી રૂ. 75લાખ પડાવી લીધા રફ કે નાણાં પરત નહીં કરીને ઠગાઈ આચરનાર બંને વિરૂદ્ધ ઉત્રાણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉત્રાણ પોલીસના જણાવ્યા મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા રહેતા રમેશ પોપટભાઈ વાડોદરીયાનો ઇંગ્લેન્ડના બ્લેકબર્નમાં રહેતા અબ્દુલ અઝીઝ મિયાં એહમદ (મૂળ રહે. આલીપોર, જિ. નવસારી) સાથે સોશિયલ મીડિયા મારફત ઓગસ્ટ 2021માં સંપર્ક થયો હતો.
3 કરોડમાં 5000 કેરેટ રફ લેવાની લાલચમાં ભેરવાયા
આફ્રિકા અને ઇંગ્લેડમાં હીરાનો મોટો વેપાર કરતા હોવાનું કહીને અબ્દુલ અઝીઝે સુરતના રમેશ વાડોદરીયાને સકંજામાં લીધા હતા. તેણે એડવાન્સમાં 75 લાખ લીધા હતા. તેમજ ત્રણ કરોડની કિંમતના 5000 કેરેટ હીરાની રફ આપશે. એવી લાલચ આપી હતી. જો કે હીરાબજારમાં 120 દિવસ ક્રેડિટ એકબીજા વેપારીઓ આપતા હોય છે, જેથી અબ્દુલની વાતમાં આવી જઇને રમેશ વાડોદરીયા ઠગાઈનો ભોગ બન્યા છે. ભાગીદાર ઘનશ્યામ વલ્લભભાઈ નાયાણી (રહે. પ્રાર્થના સોસાયટી, ડભોલી-મૂળ રહે. દરેડ, તા. વલભીપુર, જિ. ભાવનગર) છે, જે કાપોદ્રા સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સમાં જીસા ડાયમંડ નામનું કારખાનું ચલાવે છે.









