- ગલગોટા, હજારીગલ, ગુલાબથી દાદાના સિંહાસનને સજાવાયુ
- શીખંડ, મઠ્ઠો, પેંડા, કાજુ કતરીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો
- ફુટ, બદામ, કાજુ વિગેરે સુકોમેવો તથા કેક, ચોકલેટ વિગેરેનો મીક્સ અન્નકુટ ધરાવાયો
સ્વામિનારાયણ મંદિર વડાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે રામનવમી ઘનશ્યામ જન્મોત્સવ નિમિત્તે રવિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય ડાયમંડના વાઘા ધરાવી સિંહાસનને ગલગોટા, હજારીગલ, ગુલાબ, કમળ વિવિધ ફુલો વડે દિવ્ય ધનુષ્યનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5.30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા સવારે 7.00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. બપોરે 11.15 કલાકે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં શ્રીખંડ, મઠ્ઠો, પેંડા, કાજુકતરી વિગેરે મીઠાઈ, સફરજન, દ્વાક્ષ, કેરી, તરબુચ વિગેરે ફુટ, બદામ, કાજુ વિગેરે સુકોમેવો તથા કેક, ચોકલેટ વિગેરેનો મીક્ષ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. હનુમાન જન્મોત્સવ મહોત્સવ ઉપક્રમે દાદાના દરબારમાં હનુમત મંત્ર એવમ્ બીજમંત્ર અનુષ્ઠાન તા.2-4 થી તા.16-4 સુધી યોજવામાં આવેલ છે. રામનવમી ઉત્સવ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવેલ. બપોરે 12 કલાકે રામ જન્મોત્સવની આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સાથોસાથ રામનવમી એવમ્ ઘનશ્યામ જન્મોત્સવ અંતર્ગત રાત્રે 9.00 કલાકે રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. રાત્રે 10.10 કલાકે ઘનશ્યામ જન્મોત્સવની આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.










