• કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે બિલ્ડિંગ ધરાશાયી
  • ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • ઘટનામાં 3 વ્યક્તિઓનું ફાયરબ્રિગેડે કર્યુ રેસ્ક્યૂ
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે બિલ્ડિંગ ધરાશાયીની ઘટના બની છે. ઘટનામાં જર્જરિત મકાન ધરાશાયી થતા 3 લોકો દટાયા હતા. જ્યારે 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે બિલ્ડિંગ ધરાશાયી
અમદાવાદના કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા નવા વાસમાં એક જર્જરિત બિલ્ડિંગ ધરાશાયીની ઘટના બની છે. ઘટનાને પગલે જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતા3 લોકો દટાયા હતાં. ફાયરબ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર વિભાગે કાટમાળમાંથી 1 મહિલા અને એક પુરૂષને બહાર કાઢ્યા હતાં બન્ને વ્યક્તિને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. કાટમાળમાં દટાયેલા એક વ્યક્તિને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે ફાયર વિભાગની સાથે સ્થાનિક લોકો પણ બચાવ માટે મદદ કરી રહ્યા છે. ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટોળાને વિખેરવા માટે પ્રયાસો કર્યા હતાં. આ ઘટનામાં રેસ્ક્યૂ માટે ફાયર વિભાગની 9 ગાડીઓ રેસ્કયૂ ઓપરેશનમાં જોડાઈ હતી. ફાયરવિભાગે 3 વ્યક્તિઓને કાટમાળ નીચેની બહાર કાઢતાં રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણમાંથી એક વ્યક્તિનું મોત થયાની પ્રાથમિક વિગતો મળી રહી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

ઘટનામાં 3 વ્યક્તિઓનું ફાયરબ્રિગેડે કર્યુ રેસ્ક્યૂ
ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની 9 ગાડી અને ટીમ રેસ્કયુ ઓપરેશનમાં જોડાઈ હતી. ફસાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી લેવાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણમાંથી એક ઇસમને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યો હતો. તમામને 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલાયા હતા. મહિલાનું નામ નીલાબેન અને પુરુષનું નામ રાહુલભાઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ફાયર વિભાગ અને પોલીસના કાફલાએ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: