- રોડની હાલત પણ બિસમાર હોય વાહનચાલકો પરેશાન
- વિઠ્ઠલાપુર, બેચરાજી તરફ જતો માર્ગ હોય સમારકામ કરવા માગ
- માંડલ સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોની આ રોડ નવો બનાવાય તેવી માંગ
માંડલથી દાલોદ ગામ તરફ જતાં રસ્તા ઉપર બે કિલોમીટર પછી એક ખાનગી ગોડાઉન પાસે એક વીજ પોલ જે છેલ્લાં ઘણાં સમયથી જર્જરિત થઈ ગયો છે. જોકે તંત્ર દ્વારા તેની બાજુમાં એક નવો વીજ પોલ પણ ઉભો કરાયો છે. પરંતુ નવો વીજપોલ શોભાના ગાંઠીયાની જેમ ઉભો છે ત્યારે તેની ઉપર વાયરીંગ કામ કરીને જુનો પોલ ધરાશાયી થાય અથવા તો મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા હટાવી દેવો જોઈએ. વાત કરીએ આ રોડની તો માંડલથી દાલોદ તરફ જતો રોડ કેટલાંય મહિનાઓથી ખખડધજ થઈ ગયો છે. 10 કિલોમીટરનો આ રોડ ઉપર ખાડારાજ થઈ ગયું છે અને વિઠલાપુર, બેચરાજી તેમજ કડી તરફ જવા માટે આ રોડનો વપરાશ વધારે પ્રમાણમાં થાય છે. 24 કલાક આ રોડ ઉપર પણ હવે વાહનચાલકોનો આવરોજાવરો વધી ગયો છે ત્યારે નજીકમાં ઓટો કંપનીઓને લઈ ભારે લોડીંગ વાહનોની આવજા પણ થઈ રહી છે ત્યારે સામાન્ય વાહનચાલકો માટે આ રોડ કાયમી માથાના દુઃખાવા સમાન બની ગયો છે તેમજ આ રોડ વાહન ચાલકો તેમજ પસાર થતાં મુસાફરોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. ત્યારે માંડલ સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોની આ રોડ નવો બનાવાય તેવી માંગ છે.










