• જગજાહેર છે કે વરસાદથી પાક બળી ગયો છે

  • વળતર નહીં આપે તો ખેડૂતો બરબાદ થઈ જશે : ખેડૂતો
  • અતિવૃષ્ટી એટલે કે વધારે વરસાદથી નુકસાન થયુ હોય તો પાક નુકસાનીનું વળતર મળે

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ઓગસ્ટ માસ સાવ કોરોધાકોર ગયા બાદ ખેડૂતોના હાથમાં કપાસ સહિતનો પાક આવવા ટાણે જ વરસાદ ખાબકતા કપાસ પીળા-કાળો પડી બળી ગયા બાદ ભારે નુકસાની થવા પામી છે. તેમ છતાંય પાક નુકસાનીનું વળતર મળવાની આશા રાખીને બેઠેલા ખેડૂતોને સર્વે નહીં થવાની જાણ થતા તંત્ર સામે રોષ વ્યકત કરી રાજ્ય સરકાર નુકસાનીનું વળતર ચૂકવે એવી જિલ્લાના ખેડૂતો માંગ કરી રહયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઝાલાવાડમાં ખેડૂતો માટે મેઘમહેરના બદલે મેઘકહેર થઇ ગયો હોય એવુ લાગી રહયુ છે. ખેડૂતોએ પ્રથમ વરસાદ થતાની સાથે જ હાંશે હોંશે કપાસ સહિતના પાકનું વાવેતર કરી પાક ઉગાડયો હતો. પરંતુ પાકને પાણીની તાતી જરૂરિયાત સમયે જ આખો ઓગસ્ટ માસ વરસાદે દેખા નહીં દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાવા લાગ્યા હતા. અને પાછળથી એકાએક વરસાદ થતા ખેડૂતોની બાજી બગાડી નાખી હતી. ખેડૂતોના હાથમાં કપાસ, તલ આવે એમ હતા. ત્યારે જ વરસાદના કારણે કપાસ પીળો-કાળો પડી જઇ અનેક ખેડૂતોનો કપાસ બળી ગયો હતો. આમ સમગ્ર ઝાલાવાડ પંથકના ખેડૂતોનો કપાસ, તલનો પાક નિષ્ફળ જતા ખેડૂતો પાક નુકશાનીનો સર્વે કરાવી વળતરની આશા રાખીને બેઠા હતા. એવામાં ખેતીવાડી વિભાગ દ્વારા કપાસ વરસાદથી નહીં, પરંતુ રોગથી બળી ગયાનું જણાવી વળતર નહીં ચૂકવાય એવુ જણાવતા ખેડૂતો ઉપર આભ તુટી પડયુ છે. ત્યારે જો ખેડૂતોને પાક નુકસાનીનુ વળતર નહીં ચૂકવાય તો ખેડૂતોને મોટાપાયે નુકસાની ભોગવવી પડે એમ હોવાથી સરકાર નુકશાન થયેલ ખેડૂતોનો સર્વે કરાવી તાત્કાલિક વળતર ચૂકવે એવી માંગ ખેડૂતો કરી રહયા છે.

કપાસના પાકને વરસાદથી નહીં રોગથી નુકસાન થયું

સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવેલ કે ઝાલાવાડમાં કપાસના પાકને વરસાદથી નહીં, પરંતુ રોગ આવતા નુકશાન થયુ છે. જો અતિવૃષ્ટી એટલે કે વધારે વરસાદથી નુકસાન થયુ હોય તો પાક નુકસાનીનું વળતર મળે. રોગથી નુકસાન થયુ એટલે સર્વે ના થાય કે વળતર પણ ના મળે.

પાછોતરા વરસાદ જ પાક માટે આફતરૂપ બન્યો હતો

ખેડૂત અગ્રણી રામકુભાઇએ જણાવેલ કે ઝાલાવાડમાં ઓગસ્ટ બાદ ખેડૂતોના હાથમાં પાક આવે એમ હતો. ત્યારે જ વરસાદ થતા વરસાદના કારણે જ કપાસ, તલ સહિતનો પાક બળી ગયો છે. એ સૌ જાણે છે. જેથી હાલ ખેડૂતોના ખેતરોમાં સર્વે કરી પાકને થયેલ નુકસાનીનું વળતર ચૂકવવુ જોઇએ.

પાક માટે કરેલો ખર્ચ પણ હાથમાં નહીં આવે !

નિલેશભાઇ ખોલડીયાદ, મનુભાઇ પટેલ, બિપીનભાઇ પટેલ સહિતના ખેડૂતોએ જણાવેલ કે હાલ કપાસ, તલ સહિતનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ કરેલો ખર્ચ પણ હાથમાં આવે એમ ના હોવાથી સરકારે નુકશાનીનુ વળતર ચુકવવુ જોઇએ નહીતર ખેડૂતો પાયમાલ થઇ જશે.

  • Follow us on: