- બોડેલી બાર એસોસીએશન પ્રમુખની ઉગ્ર રજુઆત
- અનેક લોકો પાણીથી ભીંજાયેલા દાદર પરથી લપસીને પડયા બનાવો
- પાણીથી પલળેલા દાદર પર લોકોને મજબૂરીથી જવા આવવા ની ફરજ પડે છે
બોડેલી સેવાસદન કચેરીમાં દિવાલમાંથી બીજા માળેથી પાણી ઝમણ થઈ દાદરના પગથિયા પર વહેતું હોવાને કારણે અત્રે આવતા મુલાકાતીઓને લપસી જવાના અને પડવાના બનાવ બની રહ્યા છે. એક તરફ્ લિફ્ટ ચાલે ન ચાલે તેવી ખસ્તા હાલતમાં છે. બીજી બાજુ દાદર પર 24 કલાક પાણી વહેતું હોવાને કારણે સેવા સદન કચેરીનું મેન્ટેનન્સ કરતો વિભાગ ઊંઘતો ઝડપાયો છે.
બોડેલી તાલુકામાં સ્વચ્છતા અભિયાનનો નારો જે કચેરીમાંથી ગુંજતો કરવામાં આવે છે તે કચેરીમાં જ પારાવાર ગંદકી દિવાલમાંથી ઝમતા પાણીને લીધે ફેલાઈ રહી છે. સફાઈ અભિયાનનો ગ્રામીણ વિસ્તારમાં કેવો મેસેજ જશે? એવા પણ સવાલ ઉઠી રહ્યા છે. આ અંગે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર રોહિતે રજૂઆત કરી આ પાણી વહેતા અટકાવવા માગ કરી છે. જો ટૂંક સમયમાં અમલીકરણ નહીં થાય તો તમામ વકીલો સાથે રાખી એસ. ડી. એમ. કચેરીએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરાશે તેમ જણાવાયું છે.
લલિતચંદ્ર રોહિતે રજૂઆત કરતા જણાવ્યું છે કે બોડેલી સેવા સદન કચેરીમાં બીજા માળે આવેલ વકીલોની વ્યવસ્થા ને લીધે અહીં આવતા જતા વકીલો પણ લપસેલા છે. તે સાથે વકીલોને મળવા તથા કોર્ટ કામગીરી માટે આવતા અસીલો, પોલીસ, બાલ બચ્ચા પરિવાર સાથે આવતા લોકો દાદર પર લપસી જવાને કારણે ઇજા પામેલા છે. હજુ કેટલા લોકો પડે, ઇજા પામે તેની રાહ જોવાઈ રહી છે? પી ડબ્લ્યુ ડી વિભાગ ઝડપથી આ દાદર પરથી વહેતા પાણીને અટકાવવાના પ્રયત્નો કરે નહીંતર વકીલ મંડળ આક્રમક બનશે તેની જવાબદારી બાંધકામ વિભાગના અધિકારીઓની રહેશે.
તમામ મુખ્ય ઓફ્સિો હોવા છતાં દિવા તળે અંધારું કેમ?
બોડેલી સેવાસદન કચેરીમાં મામલતદાર કચેરી, પ્રાંત અધિકારી કચેરી, રજિસ્ટ્રારની કચેરી, તાલુકા પંચાયત, સીટી સર્વેની કચેરી, નરેગા યોજનાની કચેરી, નારી અદાલત, કોર્ટ કચેરી સહિત બીજી અનેક કચેરીઓ આવેલી છે. જ્યાં આવતા જતા લોકોની સંખ્યા આખા દિવસ દરમિયાનમાં વધુ પડતી હોઇ પાણીથી પલળેલા દાદર પર લોકોને મજબૂરીથી જવા આવવા ની ફરજ પડે છે. સરકારની આટલી બધી કચેરીઓ છતાં પણ કોઈ અધિકારી રજૂઆતના કરે? એ કેવી વિચિત્રતા કહેવાય? દિવા તળે અંધારા જેવી આવી અવસ્થા કેમ ?