બનાસકાંઠાના ડીસાની ઓળખ બનેલું બટાકાનું વાવેતર અન્ય વિસ્તારમાં ન થાય તે વાતને સરહદી વિસ્તારના પાટણના છેવાડાના તાલુકાના ખેડૂતે ખોટી પાડી હતી અને ખેડૂતે તેના પોતાના 22 વિઘાની જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી બટાકાનું સફ્ળ વાવેતર કરી ઉદાહરણ પૂરું પાડયું હતું અને સરહદી વિસ્તારમાં અન્ય ખેડુતને પણ સરહદી વિસ્તારમાં બટાકાનું વાવેતર થઈ શકે તે માટેનું ઉદાહરણ આપ્યું હતું.
સીધાડા ગામના પ્રગતિશીલ ખેડૂત અહેમદભાઈ અન્ય ખેડૂત માટે માર્ગદર્શક બન્યા હતા અને સરહદી વિસ્તારમાં પ્રથમ વખત બટાકાની સફ્ળ ખેતી કરી હતી. જેના પગલે આગામી સમયમાં પાટણના સાંતલપુર વિસ્તારમાં બીન પરંપરાગત ખેતીમાં સારા અણસાર મળવાના ખેડૂતના સપનાઓ પુરા થાય તેવા અણસાર દેખાયા હતા.સરહદી વિસ્તારમાં ખેડૂતો જીરું, ધાણા, એરંડા, કપાસ, મગફ્ળી જેવા પાકોનું દર વર્ષે વાવેતર કરતા હોય છે પરંતુ પ્રગતિશીલ ખેડુત દ્વારા પ્રથમ વખત બટાકાની ખેતી કરી નવતર પ્રયોગ કર્યો હતો અને ખેડૂતે પ્રથમ પ્રયોગમાં જ સફ્ળતા મેળવી હતી. સીધાડા ગામના ખેડુત દ્વારા તેમના ખેતરમાં 700 મણ જેટલા બટાકાનું વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે ખેડુતને દશ હજાર મણ બટાકાનું ઉત્પાદન થાય તેવા અણસાર દેખાઇ રહ્યા છે. અને ખેડુતને ચાલુ વર્ષે અંદાજીત રૂપિયા ત્રીસ લાખ જેટલા બટાકાની ઉપજ મળવાની શક્યતા દેખાઈ રહી છે ખેડૂત દ્વારા બટાકાની સફ્ળ ખેતી કરતા અન્ય ખેડૂતો પણ બટાકાની ખેતી તરફ્ આકર્ષિત થશે ત્યારે આગામી વર્ષોમાં સરહસી વિસ્તારમાં બાગાયતી ખેતીથી ખેડૂતોની આવક બમણી થવાના અણસાર દેખાવા લાગ્યા હતા.
4.90 લાખનું બિયારણ ખરીદ્યું
ખેડૂતે 28 રૂપિયાના કિલો તેમજ 32 રૂપિયાના કિલોના ભાવે 350 કટ્ટા બટાકાનું બિયારણ ખરીદ્યું હતું જેમાં તેમને 4.90 લાખ જેટલો ખર્ચ થયો હતો બટાકાની ત્રણ માસના વાવેતરમાં આશરે 30 લાખની આવકની ખેડૂતને આશા બંધાઈ હતી. વાવેતરના માર્ગદર્શન માટે અનેક ખેડૂતો પણ બટાકાનું વાવેતર કરે તેવી અણસાર દેખાવા મળ્યા હતા.
બટાકાના બે ભાગ કરી વાવેતર કરાય છે : ખેતી એક્સપર્ટ
બટાકાના વાવેતર અંગે ખેતી એક્સપર્ટ ભરત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બટાકાના વાવેતરમાં બટાકાના બે ભાગ કરીને વાવેતર કરવામાં આવે છે. સરહદી વિસ્તારમાં બટાકાની ખેતી માટે જમીન અનુકૂળ હોય તેવું દેખાઈ રહ્યું છે તેમજ અહીં બાગાયતમાં અન્ય પાકોના પણ ઘણા બધા સ્કોપ છે. અન્ય જમીનમાં બટાકાનું 10 ગણું ઉત્પાદન મળે છે જ્યારે કે અહીં બટાકાની ખેતીમાં 13 ગણું જેટલું મબલખ ઉત્પાદન મળે તેવું દેખાઈ રહ્યું છે.
બનાસકાંઠાના ખેડૂત મુલાકાતે આવતા બટાકાની ખેતી કરવાનું જણાવ્યું હતું: પ્રગતિશીલ ખેડૂત
સાંતલપુર તાલુકાના સીધાડા ગામના ખેડુત અહમદભાઈએ જણાવ્યુ હતું કે બનાસકાંઠાના ખેડૂત રામભાઈ અને પ્રેમ ભાઈ અહીં આવ્યા હતા અને તેઓએ ખેતરની પણ મુલાકાત લીધી હતી ત્યારે તેમણે જમીન જોઈને બટાકાની ખેતી કરવાનું માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે અમદાવાદથી જ બટાકાના બિયારણની પણ વ્યવસ્થા કરવાનું ગોઠવી આપ્યું હતું અને 80 દિવસ ઉપર આવી જતા પાક બેસી ગયો હતો અને વીઘાએ 250 મણ જેટલા બટાકાની ઉપજ મળવાની ખેડૂતને આશા છે.કુલ ચાલુ વર્ષે દશ હજાર મણ બટાકા થવાની આશા છે જેનું ત્રીસ લાખ જેટલી આવક થવાની આશા છે.
બાગાયતી ખેતી ખેડૂત કરે તો બમણી ઊપજ મેળવી શકે તેમ છેઃ બાગાયત અધિકારી
બાગાયત અધિકારી ભરત ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે થતી અન્ય બાગાયતી ખેતી દ્વારા ખેડૂત વધુ અને બમણી ઉપજ મેળવી શકે તેવા અનેક બાગાયતીમાં પણ સ્કોપ છે સરકાર દ્વારા અનેક યોજનાઓ પણ અમલી છે. દરેક ખેડૂત બટાકા કે અન્ય નવું કંઈક વાવેતર કરી સફ્ળતા મેળવી શકે છે ખેડૂતોએ અન્ય ખેડૂતો પાસેથી પ્રેરણા લઈને ખેતી કરવી જોઈએ અને નવતર પ્રયોગ કરવો જોઈએ જેથી દરેક ખેડૂત આ રીતે ખેતી કરે તો આર્થિક ફાયદો થઈ શકે તેમ છે.