ડીસા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હોબાળો થતા પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડયો હતો. બોર્ડ બેઠકમાં શહેરનાં વિકાસ માટે 14 મુદ્દાઓની ચર્ચા કરવાની હતી પરંતુ હોબાળો થતા પ્રમુખે બોર્ડને પૂર્ણ જાહેર કરી દીધું હતું.
ભાજપ શાસિત નગરપાલિકામાં છેલ્લા ચાર વર્ષથી રાજકીય વિવાદોના કારણે શહેરનો વિકાસ રૂધાઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના સદસ્યો વચ્ચે કેટલાક રાજકીય નેતાઓના ઈશારે કામ થતા ના હોવાના કારણે શહેરનો વિકાસ રૂધાયો છે. ત્યારે હમણાં જ નવા પ્રમુખ તરીકે નીતા ઠક્કરનું આ પ્રથમ બોર્ડ હતું શુક્રવારે સવારે 11:00 કલાકે નગરપાલિકાના સભાખંડમાં બોર્ડ બેઠકમાં મુદ્દાઓની ચર્ચા કરવાની જગ્યાએ સીધા જ મુદ્દાઓ વંચાણે લેતા હોઈ કોંગ્રેસ, અપક્ષ અને આપના સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ સમયે ઉપ્રપ્રમુખ શૈલેષભાઈ રાયગોર વારંવાર બોર્ડ બેઠકમાં વચ્ચે બોલતા હોઈ ચૂપ રહેવા કહેવામાં આવ્યું હતું. છતાં ચુપ રહેવાની જગ્યાએ વધુ ઉગ્ર બનતા આપના સદસ્યે બોર્ડ ચલાવવા માટે વિનંતી કરી હતી સાથે કોંગ્રેસ અને અપક્ષના સદસ્યાએે પણ બોર્ડ ચલાવવા વિનંતી કરી હતી. પરંતુ બહુમતીના જોરે પાલિકા પ્રમુખ નીતા ઠક્કરે ચર્ચા કરવાની જગ્યાએ માત્ર 10 મિનિટમાં જ બોર્ડને આટોપી લીધું હતું. જેથી આપ, કોંગ્રેસ અને અપક્ષના સદસ્યોએ રોષ વ્યક્ત કર્યો હતો. હોબાળા વચ્ચે કેટલાક ભાજપના સદસ્યોએ આપ પાર્ટીના સદસ્ય વિજય દવેને પાકિસ્તાની કહેતા મામલો વધું બિચક્યો હતો. અને પોલીસે દોડી આવવું પડયું હતું.
જોકે આપના સદસ્ય વિજય દવે જણાવ્યું હતું કે પ્રમુખ સાથે જ્યારે પણ ચર્ચા કરતા હોઈએ ત્યારે ઉપપ્રમુખ અને કેટલાક સદસ્યો અમને બોલવા દેતાં નથી સાથે કેટલાક સદસ્યો અને તેમના પુત્રો પાકિસ્તાની કહી અમને ધમકી પણ આપે છે. નગરપાલિકાના સભાખંડમાં સદસ્યો બિન સંસદીય શબ્દોનો ઉપયોગ કરી અમારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે. આ અંગે પાલિકા પ્રમુખ નીતા ઠક્કરને પૂછતા પૂછતાં મીડિયા સામે મૈાન સેવી લીધું હતું. અને પ્રથમ બોર્ડમાં જ વિવાદ સર્જાતા જવાબ પણ આપી શક્યા ન હતા.
જોકે હાલ ડીસા નગરપાલિકામાં સરકાર બદનામ થાય અને આવનાર ચૂંટણીમાં ભાજપને નુકશાન થાય તેવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપ સંગઠને રસ દાખવી અંદરો અંદરના વિવાદનો અંત લાવવો જોઈએ એવી લોકોમાં ચર્ચા જોવાં મળી રહી છે.
ઉલ્લેખનિય છે કે, પાલિકામાં દર વખતે સામાન્ય સભા મળે છે પરંતુ વિવાદોમાં વિકાસના કામો અટવાઈ જતા છેવટે શહેરીજનોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
બોર્ડ ચલાવવામાં પ્રમુખ નબળા પડયા
ડીસા નગરપાલિકાનું જનરલ બોર્ડમાં શહેરના નવા વિકાસના કામોને મંજૂરી આપવાની હોય છે સાથે સૂચનો પણ સાંભળવાના હોય છે. પરંતુ પ્રમુખ નીતા ઠક્કરે 10 મિનિટમાં જનરલ બોર્ડ પૂર્ણ કરી દેતા વિકાસની વાતો બાજુ પર રહી ગઈ હતી. અને પ્રમુખ પ્રથમ બોર્ડ ચલાવવામાં નબળા પડયા હતા.
પાલિકા એક શાળા ચલાવી શકે એટલી પણ સક્ષમ નથી : ભાવિ શાહ
ડીસા નગરપાલિકા હસ્તક આવેલ શાળામાં એક થી પાંચ ધોરણ સરકારને સોંપવા માટે બોર્ડમાં મુદ્દો લેવાતા ડો.ભાવિ શાહે વિરોધ કર્યો હતો. અને નગરપાલિકા હસ્તક છે જેને નગરપાલિકાએ ચલાવવી જોઈએ પરંતુ બહુમતીના જોરે ભાજપે નગરપાલિકા હસ્તકની શાળાને સરકારને સોંપવામાં આવી રહી છે. જોકે નગરપાલિકા હવે શાળા ચાલવી શકે તેટલી સક્ષમ રહી નથી તેવું ભાવિ શાહએ જણાવ્યું હતું.
શહેરનાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા જરૂરી હતી
(1) ગત સભાની કાર્યવાહી બહાલ કરવા બાબત.
(2) હીસાબી શાખા તરફથી રજુ થયેલ ત્રિમાસીક હિસાબો મંજુર કરવા બાબત
(3) બાંધકામ શાખા તરફથી રજુ થયેલ PMC અને TPI ના કામે એજન્સીની નિમણૂંક કરવા અંગે નિર્ણય લેવા બાબત.
(4) બાંધકામ શાખા તરફથી રજુ થયેલ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ આવેલ અરજી ઓ અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત
(5) બાંધકામ શાખા તરફથી રજુ થયેલ શહેરની જૂની આગવી ઓળખ પ્રસ્થાપિત થાય અને તેના હેરીટેજની જાળવણી હેતુંના કામ બાબતે નિર્ણય લેવા બાબત
(6) ડીસા નગરપાલિકા વિસ્તારમાં સ્માર્ટ ટોયલેટ બનાવવા અંગે નિર્ણય લેવા બાબત.
(7) ગત સભા ઠરાવ નં.198(3), તા.20/12/2024 થી કેબીનોના થયેલ ભાડા વધારા ઠરાવને વેપારીઓ દ્વારા આવેલ રજુઆત અંગે પુનઃવિચારણા કરવા બાબત
(8) પાણી પુરવઠા શાખા તરફથી રજુ થયેલ ટેન્ડર ભાવો મંજુર કરવા બાબત
(9) શિક્ષણ શાખા તરફથી આવેલ કાગળો વંચાણે લઈ ધોરણ 1 થી 5 સરકારને સોંપવા અને સરકાર દ્વારા આ માટે બિલ્ડીંગ બનાવવા મંજુરી આપવા બાબત.
(10) ઘરવેરા શાખા તરફથી આવેલ કાગળો સભા સમક્ષ વંચાણે લેતા ધાર્મિક મિલ્કતોની આકારણી જર્જરીત અને ખુલ્લા પ્લોટ તથા ડુપ્લીકેશન થયેલ મિલ્કતોના માંગણા રદ કરવા નિર્ણય લેવા બાબત.
(11) સ્ટોર શાખા તરફથી આવેલ કાગળો સભા સમક્ષ વંચાણે લેતા સ્ટોરમાં પડેલ જૂના વાહનો તેમજ ભંગાર માલ સામાનનો જાહેર હરાજીથી નિકાલ કરવા નિર્ણય લેવા બાબત.
(12) વિવિધ સમિતિઓના સભ્યોઓના આવેલ રાજીનામાં મંજુર કરવા બાબત.
(13) વિવિધ સમિતિઓના સભ્યોઓની ખાલી પડેલ જગ્યા ઉપર સમિતિના સભ્યની નિમણૂંક કરવા બાબત.
(14) અધ્યક્ષ સ્થાનેથી રજુ થતાં કામો