જૂનાગઢના મેંદરડા તાલુકામાં આવેલ માનસિક દિવ્યાંગ લોકોની સેવા કરતી ગાંગેડી આશ્રમ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં સુરતની એક મહિલા દ્વારા આ આક્ષેપો કરવામાં આવતા ચકચાર મચી છે,જેમાં મહિલાઓ આક્ષેપ કર્યો છે કે,તેમની દિકરી દિવ્યાંગ છે માટે તેને આશ્રમમાં મૂકવામાં આવી છે તો આશ્રમના સંચાલકો માર મારે છે જેને લઈ વિવાદ વધ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષથી માનસિક દિવ્યાંગ લોકો માટે બનાવવામાં આવેલો ગાંગેડી આશ્રમ
જૂનાગઢના મેંદરડા તાલુકામાં સમઢીયાળા ગામની સીમમાં છેલ્લા ત્રણ વર્ષથી માનસિક દિવ્યાંગ લોકો માટે બનાવવામાં આવેલો ગાંગેડી આશ્રમ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.સુરતમાં રહેતા ભૂમિબેન મહેતાની 22 વર્ષની દીકરી દિશા મહેતા માનસિક દિવ્યાંગ હોવાથી ગાંગડી આશ્રમમાં એક મહિના પહેલા મૂકવામાં આવી હતી.ગત તારીખ 1 માર્ચના રોજ ભૂમિબેન પોતાની 22 વર્ષની દીકરીને મળવા ગયા હતા ત્યારે અહીંના સંચાલકો દ્વારા તેમને મળવા દેવાની મનાઈ કરવામાં આવી હતી ઉપરાંત અહીં તેમની દીકરીને સાંકળથી બાંધીને રાખવામાં આવતી હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા છે.સાથે સાથે દીકરીને આશ્રમના સંચાલકો દ્વારા લાકડી વડે માર માર્યા હોવાના પણ આરોપ લગાવાયા છે.
તમામ આક્ષેપો પાયા વિહોણ ગણાવ્યા
ત્યારે આશ્રમમાં રિયાલિટી ચેક દરમિયાન અન્ય કેટલાક લોકોએ અહીં તેમને પરાણે રાખ્યો હોવાની ફરિયાદ સંદેશ ન્યુઝ સમક્ષ કરી હતી.ઉપરાંત માનસિક દિવ્યાંગ ન હોવા છતાં તેમણે અહીં રાખવામાં આવ્યા છે ત્યારે સંસ્થામાં કામ કરતા કેટલાક લોકો દ્વારા તેમને મારતા હોવાની પણ ફરિયાદો કરી હતી બીજી તરફ સંદેશ ન્યુઝ દ્વારા ગાંગેડી આશ્રમની મુલાકાત લેવામાં આવી હતી અને રિયાલિટી ચેક દરમિયાન આશ્રમના સંચાલક દ્વારા આ તમામ બાબતોને પાયા વિહોણા ગણાવ્યા હતા.
આશ્રમ સામે કડક કાર્યવાહીની કરી માગ
આ સંસ્થામાં 200થી વધારે દિવ્યાંગ લોકો રહે છે જેમાં 95 જેટલી મહિલાઓ અહીં રહે છે કોઈપણ પ્રકારની ફી લીધા વગર અહીં આ 200 થી વધારે દિવ્યાગોને રાખવામાં આવે છે ત્યારે સુરતની મહિલા દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે તેને લઈને જણાવ્યું હતું કે તેની દીકરી બીજા અન્ય લોકોને મારતી હતી અને બીજાને નુકસાન વધારે ન કરે તે માટે તેને બાંધી રાખવામાં આવી હતી બાકી માર મારવાની વાત સદંતર ખોટી હોવાનો ખુલાસો કર્યો હતો આમ ગાંગડી આશ્રમમાં દિવ્યાંગોને લઈને વિવાદમાં આવ્યો છે અને સુરતની મહિલાએ આ આશ્રમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી કરી છે.









