- આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ જીત્યો
- અર્ધુ અંગ ખોટું છતાં દિવ્યાંગ કેટેગરીમાં સૌથી વધુ અભ્યાસ
- વર્લ્ડની બેસ્ટ ટેબલ ટેનિસ પ્લેયર બનવાની પણ મહેચ્છા
કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી. જીવનમાં આવતી અને મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાને સર્વ શ્રેષ્ઠ સાબિત કરવું તે સૌથી મોટી સિદ્ધિ હોય છે ત્યારે રાજકોટની એક બાળા કે જેનું અડધું અંગ ખોટું થઈ ગયું હોવા છતાં તે જોર્ડનમાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમવા પહોંચી અને તેમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવી છે.

રાજકોટ એસટી વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ શાહની 26 વર્ષીય પુત્રી ધ્વનિ કે જેને 10 વર્ષની વયે બ્રેઈન ટ્યુમર બાદ ચાર વખત સર્જરી કરાવી છતાં તે હિંમત ન હારી અને સ્ટેટમાં ગોલ્ડ તેમજ નેશનલમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે તે તાજેતરમાં જોર્ડનમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી જેમાં તેમણે વિમેન્સમાં બલ્ગેરિયાની વેલેન્ટિના સાથે જોડી બનાવી ભારતની જ ભાવિકા કુકડીયા અને નૂરજહાં જામાણીની જોડીને મ્હાત આપી છે.

રાજકોટની ધ્વનિ કહે છે કે તેનું વર્ષ 2024 ની ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાનુ સ્વપ્ન છે અને વર્લ્ડની બેસ્ટ ટેબલ ટેનિસ પ્લેયર બનવું છે. દિવ્યાંગ બાળા અભ્યાસમાં પણ અવ્વલ છે જેઓ હાલ ડિપ્લોમા ઈન માસ્ટર ઓફ સાયકોલોજીનો અભ્યાસ કરે છે.