રાજ્ય સરકારે ખેડૂતોને થયેલા પાક નુકસાની મામલે મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 1419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્યના 6 હજારથી વધુ ગામોના ખેડૂતોને મોટી રાહત મળશે. 20 જિલ્લાના 136 તાલુકાના ખેડૂતોને લાભ મળશે.
પેકેજમાં રાજ્યના 7 લાખથી વધુ ખેડૂતોનો સમાવેશ
તમને જણાવી દઈએ કે આ પેકેજમાં 7 લાખથી વધુ ખેડૂતોને આવરી લેવાયા છે. 1419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. SDRFના નિયમ ઉપરાંત વધુ સહાય અપાશે. પેકેજમાં 136 તાલુકાના 6812 ગામને આવરી લેવાયા છે. 1097 કરોડ SDRF ફંડમાંથી અપાશે. પેકેજમાં રાજ્યના 7 લાખથી વધુ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પેકેજમાં ઓક્ટોબરના નુકસાનનો સમાવેશ નહીં
પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે પેકેજમાં ઓક્ટોબરના નુકસાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પાછોતરા વરસાદથી નુકસાનનો સર્વે થશે, જેને લઈને મુખ્યમંત્રીએ નુકસાનના સર્વે માટે આદેશ આપ્યા છે અને જમીન ધોવાણના સર્વેનું કામ ચાલુ છે.
ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું
તમને જણાવી દઈએ કે આ વર્ષે રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા અને તેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું અને ખેડૂતોના તૈયાર પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા અને ખેડૂતોને તૈયાર થયેલો કોળીયો છીનવાઈ ગયો હતો. ત્યારબાદ અનેક વખત ખેડૂતોએ સરકારને સહાય ચૂકવવા માટે રજૂઆત કરી હતી અને આખરે રાજ્ય સરકારે દિવાળી પહેલા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે અને ખેડૂતોની દિવાળી સુધારી દીધી છે.
અનેક વખત રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે અનેક ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ પાક નુકસાની મામલે ખેડૂતોની વ્હારે આવ્યા હતા અને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તે અંગે કૃષિ મંત્રી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.
ખેડૂતો સહાય સંદર્ભે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન
ખેડૂતો સહાય સંદર્ભે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે જમીન ધોવાણ સંદર્ભે સર્વે કરી સહાય ચૂકવાશે. ગુજરાત સરકારે નુકસાન પર મેમોરેન્ડમ કેન્દ્રને સોંપ્યું છે. રોડ રસ્તા, કૃષિ સહિત વિવિધ નુકસાની માટે મેમોરેન્ડમ સોંપવામાં આવ્યું છે. 9 હજાર કરોડની નુકસાનીનું મેમોરેન્ડમ કેન્દ્રને સોંપાયું છે. 33 ટકા કરતા વધુ વિસ્તારમાં નુકસાનીનું અનુમાન છે. 8.82 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનીની શક્યતા છે.









