- ફિરોઝ મન્સૂરી (અમદાવાદ)
- દિવસમાં 2થી 3 લીટર પ્રવાહી, વાસી ભોજનથી દૂરી ઇન્ફેકશનથી દૂર રાખશે
- ORS વાળું પાણી, છાશ, લીબું શરબત, ફ્રેશ ફ્રુટ જ્યુશ શરીર માટે ઉપયોગી
- માત્રને માત્ર તાજું બનાવેલું ભોજન જ આરોગવું આરોગ્ય માટે લાભદાયક
ઉનાળામાં ખાણીપીણીમાં ધ્યાન ન રાખો તો હિટસ્ટ્રોક કે ડિહાઈડ્રેશન થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. ત્યારે ઉનાળામાં દિવસમાં ઓછામાં ઓછું 2 થી 3 લીટર પ્રવાહી લેવું જોઇએ. જેમાં ORS વાળા પાણીથી લઇને છાશ, જ્યુશ સહિતના સ્વાસ્થ્ય વર્ધક પીણા પીવા જોઇએ. જ્યારે વાસી કે ઠંડા ભોજનને ભૂલથી પણ હાથ લગાવવો ન જોઇએ. માત્રને માત્ર તાજુ બનાવેલું ગરમ ભોજન જ લેવાનો આગ્રહ રાખવો જોઇએ. તેમ નિષ્ણાંત ડોક્ટરે સલાહ આપી છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો.મોના દેસાઇએ જણાવ્યું હતું કે, જે રીતે ગરમી પડી રહી છે તેમાં ખાણીપીણીમાં લોકો કાળજી રાખે નહીં તો ચોક્કસથી બીમાર પડી શકે છે. તેમાં પણ ગરમીમાં પરસેવાની સાથે શરીરમાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ બહાર નીકળી જતાં હોવાથી શરીર ઇનબેલેન્સ થઇ જાય છે. જેના લીધે ઘણી તકલીફો થાય છે, તેમાં પણ બહાર ફરતા લોકોને ડિહાઇડ્રેશન કે હિટસ્ટ્રોક લાગવાની પુરેપુરી સંભાવના રહેલી છે. ત્યારે ઉનાળાને ધ્યાને રાખીને લોકોએ સાદુ પાણી પીવાના બદલે ORS વાળું પાણી પીવું જોઇએ. ઉપરાંત છાશ, લીબું શરબત, ફ્રેશ ફ્રુટના જ્યુસ, સલાડ, કેરીનો જ્યુસ, શેક પણ પીવો જોઇએ. આમ દિવસમાં ઓછામાં ઓછું 2 થી 3 લીટર પ્રવાહી લોકોએ લેવું જોઇએ. જ્યારે વાસી કે ઠંડા ભોજનને લેવાનું ટાળવું જોઇએ કેમકે વાસી કે ઠંડા પડી રહેલા ભોજનથી ફુડ પોઇઝનીંગ અને ઇન્ફેક્શન લાગવાની શક્યતા છે. એટલે તાજા અને ગરમગરમ ભોજનને આરોગવું જ આરોગ્ય માટે હિતાવહ છે. તેમાં પણ રાતનું ભોજન હળવું લેવું જોઇએ.