રાજકોટમાં મહિલા તબીબના આપઘાત કેસમાં ખુલાસો થયો છે જેમાં સસ્તામાં સોનું આપવાનું કહીને ઠગાઈ કરનાર 4 આરોપી ઝડપાયા છે, સોનું નકલી હોવાનું ખુલાસો થતા આઘાતમાં આવ્યા હતા અને એનેસ્થેસિયાનો ઓવર ડોઝ લઈ તબીબે આપઘાત કર્યો હતો, ઠગાઈ કરનાર વાંદરી ગેંગના 4 સભ્યો ઝડપાયા છે અને 3 ફરાર છે, ખોદકામ દરમિયાન સોનું અને ચાંદીનો જથ્થો મળ્યો હોવાની વાત સામે આવી હતી. તબીબ અને તેના પતિને સસ્તામાં સોનું આપવાની લાલચ આરોપી દ્વારા આપવામાં આવી હતી.
2.86 લાખનો મુદામાલ કબજે કરી બે મહિલા સહિત ૩ની શોધખોળ હાથ ધરી
રાજકોટના આસ્થા સાંગ્રીલામાં રહેતા રહેતા અને ત્યાં જ રૂદ્ર કલીનીક નામે પ્રેક્ટીસ કરતા તબીબ ધવલભાઈ પ્રવિણભાઈ મોલીયા ઉ.૨૮એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રમેશ, એક અજાણ્યો શખસ, અજાણી મહિલા સામે ૫ લાખની છેતરપીંડી અંગે ફરીયાદ નોંધાવતા એલસીબીએ ચારની ધરપકડ કરી 2.86 લાખનો મુદામાલ કબજે કરી બે મહિલા સહિત ૩ની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા.૧૫/૦૫ના સવારે ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ડોકટર સાહેબ દવા લેવાની છે.
5 લાખ આપી દાગીના લાવી રણછોડનગરમાં તપાસ કરાવતા સોનુ ખોટુ નીકળ્યુ હતુ
તમે કયારે દવાખાને આવશો તેમ પુછતા થોડીવારમાં દવાખાને ગયા ત્યાં રમેશભાઈ નામની એક વ્યકિત આવેલ તેણે પોતાને તાવ આવતો હોય અને કમર દુ:ખે છે તેમ વાત કરતા દવા આપી હતી ત્યારે તેણે કહ્યું હતું કે, અમને ખોદકામ વખતે ચાંદીનો સિકકો તથા અન્ય સોનાના દાગીના મળેલા છે તમારે દાગીના જોતા હોય તો તમે જોઈ જાજો બીજા દિવસે દાગીના જોવા સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ગયો હતો ત્યાં એક બહેને કાળી કોથળીમાં પીળી ધાતુની માળાઓ સોનાની હોવાનું જણાવેલ અને એક કીલોના દાગીના હોવાની વાત કરી હતી તેમાંથી એક કટકો રણછોડનગર ખાતે ટચ કરાવતા સોનુ ૧૮ કેરેટ આવ્યુ હતુ બાદ તા.૧૯ના ચોટીલા જઈ 5 લાખ આપી દાગીના લાવી રણછોડનગરમાં તપાસ કરાવતા સોનુ ખોટુ નીકળ્યુ હતુ.
પોલીસે બાતમીના આધારે ઝડપ્યા આરોપીને
રમેશનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી ફરિયાદ નોંધાવી હતી પૈસા ગુમાવતા પત્નીએ ઓવરડોઝ લઈ આપઘાત કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે. દરમિયાન એલસીબી ઇન્ચાર્જ પીએસઆઈ જયંતીભાઈ ગોહિલ સહિતની ટીમે બાતમી આધારે ઉપરોકત ગુનાને અંજામ આપનાર અમદાવાદના ઈશ્વર ઉર્ફે પટીયો વિરાભાઈ વાઘેલા, રાજકોટના અર્જુન પન્નાભાઈ સોલંકી, માલીયાસણના મોહન ઉર્ફે મ્યો ભગવાનભાઈ પરમાર અને હીરા રામાભાઈ રાઠોડને માધાપર ચોકડી પાસેથી પકડી લઈ રોકડા ૨,૧૫,૮૦૦, રીક્ષા, બે મોબાઈલ સહીત ૨,૮૫,૮૦૦નો મુદામાલ કબજે કરી અમદાવાદના હીરાબેન કસ્તુરભાઈ મારવાડી, માલીયાસણના કાનુબેન રામાભાઈ રાઠોડ અને પન્નીબેન અર્જુનભાઈ સોલંકીની શોધખોળ હાથ ધરી છે.