અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલ રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની ઋષિકા નામની બાળકીને બચકા ભરી લીધા હતાં. શ્વાને બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકાં ભર્યાં હતાં. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કરી હતી. ગઈકાલે રાતે એક યુવતી પાલતું રોટવીલર શ્વાન લઈને આવી હતી. આ દરમિયાન તે ફોન પર વાત કરી રહી હતી ત્યારે શ્વાન હાથમાંથી છૂટી ગયું અને તેને અન્ય યુવતી અને 4 મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. જ્યારે બાળકને લઈને આવેલી યુવતીને પણ શ્વાને બચકાં ભર્યાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
અમદાવાદના હાથીજનમાં શ્વાનનો આતંક આવ્યો સામે
શ્વાન હુમલો કરતાં બાળકી માસીના હાથમાંથી નીચે પડીને ફાડી ખાધી રાતના સમયે વિપુલ ડાભીની ચાર મહિના 17 દિવસની ઋષિકા નામની બાળકીને લઈને માસી આંટો મારવા નીકળી હતી. આ દરમિયાન ફ્લેટમાં રહેતી યુવતી તેની સાથે પાલતુ રોટવીલર બ્રિડનું શ્વાન લઈને નીચે આવી હતી. આ દરમિયાન રોટવીલર હાથમાંથી છટકી ગયું અને બાળકી તથા તેના માસી પર હુમલો કર્યો હતો. એમાં બાળકી તેના માસીના હાથમાંથી છટકી ને નીચે પડી ત્યારે રોટવીલર બાળકીને ફાડી ખાધું હતું. આ અંગે સોસાયટીના રહીશોમાં પણ રોષ જોવા મળ્યો છે. આ મામલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે.
બાળકીનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યુ
સોસાયટીના સભ્યોએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જેમાં જણાવ્યું છે કે રાત્રે રેસિડેન્સીમાં ગઈકાલે રાત્રે 9:00 વાગ્યાથી 9:30 વાગ્યા દરમિયાન શ્વાન કરડવાના કારણે નાની બાળકી જે G 205માં રહે છે તેનું મૃત્યુ થયું છે. સોસાયટીમાં કૂતરાનો વધારે ત્રાસ હોવાથી એના પર કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી છે. એટલુંજ નહિ અગાઉ પણ કૂતરાને કારણ સોસાયટીના ઘણા સભ્યોને ખૂબ જ હેરાનગતિ થઈ હતી. સોસાયટીમાં જે-તે વખતે સ્થાનિકને અગાઉ શ્વાન કરડ્યું હતું. ત્યારબાદ શ્વાન અહીં નહીં રાખવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત સોસાયટીના સભ્ય એ કુતરા બાબતે વારંવાર કહ્યું હતું પરંતુ કોઈ પણ જરૂરી પગલાં ભર્યાં નથી. ગંભીર બેદરકારીને કારણે નાની બાળકીનું મોત થયું છે જેથી સોસાયટીના સભ્ય તરફથી પોલીસને રજુવાત કરાઈ છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય.
પાલતું શ્વાન માલિકને કડક સજા આપો
મૃત બાળકીના નાનીની માંગ છે કે પાલતું શ્વાન માલિકને કડક સજા થવી જોઈએ. મૃતક રિશિકાના મામાએ જણાવ્યું હતું જે પ્રમાણે આ પાલતું શ્વાનના જે માલિક છે તેમની પાસે કોઈ જાતનું રજિસ્ટ્રેશન કરેલું નથી અને સોસાયટીમાં આ લગભગ ત્રીજો-ચોથીવાર આવો બનાવ બની ચૂક્યો છે તો તેઓ માગણી કરી રહ્યા છે કે આ પાલતું શ્વાન માલિકને બને એટલી કડક સજા થવી જોઈએ અને બાળકીના માતા પિતાને ન્યાય મળવો જોઈએ.