• સિગારેટના પાર્સલ મોકલનારા તેમજ મંગાવનારાની શોધખોળ શરૂ

  • રેલવેના ગોડાઉનમાં ચેન્નાઇથી આવેલા પાર્સલમાં 1.96 લાખ નંગ સિગારેટ હતી
  • દાણચોરી અને પ્રતિબંધિત વસ્તુઓ મોકલવામાં આવી રહી હોવાનો ખુલાસો

સુરત ડીઆરઆઇ વિભાગે રેલવે સ્ટેશન પર ગોડાઉનમાંથી 40 લાખ રૂપિયાની વિદેશી બનાવટની પ્રતિબંધિત સિગારેટ ઝડપી પાડી હતી. સિગારેટના પાર્સલ ચેન્નાઇથી મોકલવામાં આવ્યા હતા. ડીઆરઆઇ વિભાગે સિગારેટ મોકલનારા અને પાર્સલ મંગાવનારા બન્ને પાર્ટીઓની શોધખોળ શરૂ કરી છે.

ડીઆરઆઇ વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ અધિકારીઓને સુરત રેલવે સ્ટેશન પર પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઠલવાઇ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી હતી. ડીઆરઆઇના અધિકારીઓ રેલવે સ્ટેશનના ગોડાઉનમાં ચેન્નાઇથી મોકલવામાં આવેલા પાર્સલોની તપાસ કરી હતી. જેમાં વિદેશમાં બનાવવામાં આવેલી 196320 નંગ સિગારેટ મળી આવી હતી. એસે લાઇટ, ગુદાંગ ગરમ, 555 બ્રાન્ડની આ સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે. પ્રારંભિક તપાસમાં આ તમામ સિગારેટની કિંમત 40 લાખ રૂપિયા હોવાનું અનુમાન છે. ડીઆરઆઇ વિભાગે સિગારેટના પાર્સલ મોકલનારા અને પાર્સલ મંગાવનારા બન્ને પાર્ટીઓની શોધખોળ આરંભી છે.

ડીઆરઆઇ વિભાગ દ્વારા અગાઉ પણ સુરત રેલવે સ્ટેશન પર કોલકાતાથી આવેલા પાર્સલોમાંથી 16 લાખ રૂપિયાની વિદેશી બનાવટની 80 હજાર નંગ સિગારેટ ઝડપી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ડીઆરઆઇ વિભાગ દ્વારા મોટાપાયે અભિયાન હાથ ધરવામાં આવ્યૂ છે. જેમાં લોકોના સ્વાસ્થ્યને નુકસાનકારક તમાકુની પ્રોડેક્ટ વગેરે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ડીઆરઆઇ વિભાગે 2.88 કરોડ રૂપિયાની દાણચોરીની સિગારેટ તેમજ 2.86 કરોડ રૂપિયાની ઇ-સિગારેટ ઝડપી પાડી છે. અત્યાર સુધી મોટા ભાગના દાણચોરો પોર્ટના માધ્યમથી કે રેલવેના માધ્યમથી વસ્તુઓની હેરફેર કરતા હતા, પરંતુ હવે રેલવેના માધ્યમથી પણ દાણચોરી અને પ્રતિબંધિત વસ્તુઓ મોકલવામાં આવી રહી હોવાનો ખુલાસો ડીઆરઆઇ દ્વારા કરવામાં આવ્યો છે.


  • Follow us on: