ઉનાળાની શરૂઆત સાથે જ ભુજમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. શહેરના ઓધવ રેસિડેન્સી વિસ્તારમાં પાણીની સમસ્યા લઈને આજે સ્થાનિક લોકો પાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ વિસ્તાર 3-4 દિવસે પાણી મળી રહ્યું છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાણીની સમસ્યાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો
આ વિસ્તારના લોકોને પૂરતું પાણી નહીં મળતા પાણીના ટેન્કર ખરીદવા માટેની ફરજ પડી રહી છે. આજે ઓધવ રેસિડેન્સી વિસ્તારના લોકોએ પાલિકા પ્રમુખને આવેદન પત્ર પાઠવી પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી સમસ્યા છે, જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ વિસ્તારના લોકોની રજૂઆત બાદ પાલિકા પ્રમુખે પાણીની સમસ્યા અંગે ખાતરી આપી છે. આગામી દિવસોમાં નિયમિત લોકોને પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાની હૈયા ધારણા આપી છે. જો કે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ તેની સાથે જ પીવાના પાણીની સમસ્યા સર્જાતાં આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવું લાગી રહ્યું છે.
પેટલાદમાં પણ પાણીની સમસ્યાને લઈને પડી રહી છે બૂમો
પેટલાદ શહેરમાં નૂર તલાવડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણીની લાઈનમાં ખોદકામ કરવામાં આવ્યું છે. જેને લઈને પાણી ન આવતા છેલ્લા 10 દિવસથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. પશુપાલનનો વ્યવસાય કરતાં લોકોને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આજે સવારે નગરપાલિકામાં પહોંચી મહિલાઓએ રજૂઆત કરી હતી. ત્યારબાદ નૂર તલાવડી વિસ્તારમાં નગરપાલિકાના એન્જિનિયર જીતેશભાઈ આવતા જ મહિલાઓએ ઘેરાવ કરી ઉધડો લીધો હતો અને તાત્કાલિક એક જ દિવસમાં કામગીરી પૂર્ણ કરી,પાણી ચાલુ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.









