- હાર્ટ એટેકના કારણે મોતનું તારણ
- ગરબા રમતા રમતા લોકો ઢળી પડ્યા
- ઓન ધ સ્પોટ આવે છે મોત
હાલ ગુજરાતમાં નવરાત્રીનો માહોલ છે. લોકો રંગેચંગે નોરતાને માણી રહ્યા છે, ગરબે ઘૂમી રહ્યા છે પરંતુ અહીં એક ચિંતા સૌને અંદરથી સતાવી રહી છે. આ છે મોતની ચિંતા. હાલ ઘણી જગ્યાએ રાજ્યમાં હાર્ટએટેકના કારણે મોત થઈ રહ્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેણે રાજ્યભરમાં ચિંતા જગવી છે.
હાલ જો બનાવોની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24થી72 કલાકની અંદર 12 જણાંના મોત થઈ ચૂક્યા છે. જેમાંના મોટાભાગના લોકોના મોત ગરબા રમતા રમતા અથવા ગરબા રમ્યા પછી થયા છે. લગભગ દરેક મોત હાર્ટએટેકના કારણે જ થયું હોવાનું સામે આવ્યું છે. દ્વારકામાં એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 3, ખેડા જિલ્લામાં એક યુવકનું અને વડોદરામાં 13 વર્ષના બાળકનું હાર્ટ અટેકથી મોત થયું છે. આમ રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં કુલ 12 જેટલા મોત થયા છે. જેણે આરોગ્ય નિષ્ણાતોની ચિંતા વધારી છે.
દ્વારકામાં 3ના મોત
દ્વારકામાં 24 કલાકમાં હાર્ટએટેકથી 3 લોકોના મોત થયા છે. જેમાં રામનગરમાં 72 વર્ષીય વેલજી કણજારિયાનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે મોટા આંબલામાં 31 વર્ષના આતિમ બશિર સંઘાર અને દ્વારકામાં 52 વર્ષના ભિક્ષુક રાજકુમાર સોલંકીને હાર્ટ એટેક ભરખી ગયો છે.
સુરતમાં 1નું મોત
સુરતમાં 1 પરપ્રાંતીય યુવાન રાજકુમાર શાહૂનું હાર્ટએટેકથી મોત થયું હોવાનુ માનવામાં આવી રહ્યું છે. તે ઈચ્છાપોર વિસ્તારમાં ફેક્ટરીની બહાર ટ્રક પાર્ક કરીને ઉભો હતો ત્યારે અચાનક સ્ટિયરીંગ પર માથું ઢાળીને બેહોશ થઈ ગયો હતો અને પછીથી તેને હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતથી 2 નાના બાળકોના માથેથી પિતાની છત્રછાયા અને એક ગર્ભવતી પત્નીને પતિનો સાથ ગુમાવવાની ફરજ પડી છે.
રાજકોટમાં 3 ઢળી પડ્યા
રાજકોટમાં પણ એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં ફરજ દરમિયાન જેલકર્મી સવાઇસિંહ હાલાજી સોઢાને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આની ઉપરાંત રાજકોટમાં 44 વર્ષીય બિલ્ડરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. રાજકોટના રૈયા રોડ પર આવેલી અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા જયેશ ઝાલાવાડિયા નામના બિલ્ડરને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર પહેલાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ધોરાજીમાં 1નું મોત
ધોરાજીમાં પણ 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની આશુકુમાર દિનેશભાઈ સોનકાર (ઉં.વ 28) ધોરાજીમાં ભાદર 2 ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો. ડેમના પાટિયાનું સમારકામ કામ કરતી વખતે આશુ અચાનક ઢળી પડ્યો હતો.આશુને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
અમદાવાદમાં 28 વર્ષીય યુવકનું મોત
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ (ઉં.વ 28) નામનો યુવક ગરબામાં ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે રવિ પંચાલનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.
વડોદરામાં 3ના મોત
વડોદરા શહેરમાં 3 વ્યકિઓના હાર્ટ એટેક થી મોત થયા છે. જેમાં માંજલપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય જગદીશ પરમારનું હાર્ટ એટેક થી મોત થયું છે. રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતાં જગદીશ પરમારને હાર્ટ એટેક આવતાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે અન્ય એક ઘટનામાં હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણા નું હાર્ટ એટેક થી મોત થયું છે. જ્યારે કે વડોદરાના ડભોઈમાં પણ હાર્ટએટેકથી 13 વર્ષીય બાળકનું મોત થયું છે. ઉલટી થયા બાદ વૈભવ સોની નામના બાળકને હાર્ટ એટેક આવ્યો હતો. ધોરણ 6માં અભ્યાસ કરતા વૈભવ સોનીનું નિધન થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
કપડવંજમાં યુવાન ઢળી પડ્યો
ખેડાના કપડવંજમાં પણ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. ખેડાના કપડવંજ ખાતે રહેતા વીર શાહ નામનો યુવક છઠ્ઠા નોરતે ગરબા રમી રહ્યો હતો, ત્યારે ગરબા રમતા રમતા અચાનક નાકમાંથી લોહી નીકળ્યું છે. જેથી વીર શાહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર અપાય તે પહેલા જ હાર્ટ એટેકથી તેનું મોત નિપજ્યું હતું.









