- સવારથી વરસાદને પગલે પોપટપરા નાળામાં પાણી ભરાયાં
- ઉપરવાસથી સતત પાણીની આવક થવાથી પોપટપરા નાળામાં પાણી ભરાયા
- બન્ને તરફથી બ્રિજની અવર-જવર પર લગાવામાં આવી રોક
રાજકોટમાં ગઈકાલથી વરસાદ અવિરત વરસી રહ્યો છે,ત્યારે રાજકોટના પોપટપરા નાળામાં વરસાદી પાણી ભરતા સ્થાનિકો હેરાન થયા છે.નાળાની બંને તરફ પાણી ભરાતા લોકો રેલનગર અંડર બ્રિજ અને માધાપર ચોકડી તરફ જતા રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે.ધીમીધારે વરસાદને પગલે રામાપીર ચોકડી, 150 ફૂટ રીંગ રોડ ઉપર પાણી ભરાયા છે.
રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા
રાજકોટ જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજકોટના પીઠડીયા, રબારીકા, જાંબુડી, મેવાસા, પ્રેમગઢ, પાંચપીપળા સરધારપુર, સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. પ્રેમગઢથી રબારીકા જેતપુર જવાનાં રસ્તા ઉપર પાણી ફરી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ થયા હતા.

ઉમવાળા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા
રાજકોટમાં ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ઉમવાળા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી વધુ ભરાતા એક સ્કૂલ બસ અને ટ્રેક્ટર વરસાદી પાણીમાં ફસાઈ ગયુ હતુ. આહીં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે.

ધોરાજીમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘ રાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોરાજીના સુપેડી, નાની વાવડી, મોટી વાવડી, તોરણીયા,જાડિયા, હડમતિયા, મોટી મારડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.









