• એક ડમી એકાઉન્ટ અને 40થી 50 હજાર મળ્યા

  • સુરતમાં સટોડિયાના કાળા નાણાં સફેદ કરવાનું કૌભાંડ
  • 53 ડેબિટકાર્ડ, 30 ખોટા આધારકાર્ડ, 8 પાનકાર્ડ, 58 સીમકાર્ડ સાથે ત્રણની ધરપકડ

આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઇન સટ્ટા બેટિંગની એપ બનાવી કરોડોની હેરાફેરી કરતાં સટોડિયાઓના નાણાં ધોળા કરી આપવા માટે ડમી બેન્ક એકાઉન્ટ તથા પેઢી અને ગુમાસ્તા ધારાનું લાયસન્સ મેળવી ચલાવાતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ડીંડોલીના રાજમહલ મોલમાં ઓનલાઇન કાપડના ધંધાની આડમાં ધમધમતા આ રેકેટ ઉપર સુરત પોલીસે રેઇડ કરી અહીંથી 55 ડમી બેન્ક એકાઉન્ટ, 53 ડેબિટકાર્ડ, 30 ખોટા આધારકાર્ડ, 8 પાનકાર્ડ, 58 સીમકાર્ડ સાથે ત્રણની ધરપકડ કરી હતી.

એસ.ઓ.જી.ની ટીમે શનિવારે ડીંડોલી રાજમહલ મોલમાં દુકાન નં. 119માં શીવ એન્ટરપ્રાઇઝમાં છાપો માર્યો હતો. ઓનલાઇન કાપડની આડમાં ઓનલાઇન સટ્ટો રમાડતા દેશ અને દેશ બહારના સટોડિયાના કાળા નાણાં ધોળા કરવા માટેનું કૌભાંડનું સંચાલન કરાતી હોવાની બાતમી હતી. રેઇડ દરમ્યાન અહીં સંચાલન કરતાં કમલેશ જરીવાલા સુનિલ ચૌધરી અને ઋષિકેશ અધિકાર શિંદેને ઝડપી લેવાયા હતા. આ ઓફિસ ઉપરાંત બીજી પણ બે ઓફિસ મળી આવી હતી.

સર્ચ કરવામાં આવતાં અધધ 55 ડમી બેન્ક એકાઉન્ટ, 53 ડેબિટકાર્ડ, 30 ખોટા આધારકાર્ડ, 8 પાનકાર્ડ, 58 સીમકાર્ડ ઉપરાંત 17 ભાડાકરાર, પાંચ ગુમાસ્તા લાયસન્સ ઉપરાંત ઘણું એવું મટિરીયલ મળી આવ્યું હતું જે શંકાસ્પદ હતું. આ બંને અમદાવાદ ઉપરાંત યુક્રેન, ઇગલેન્ડ અને યુગોસ્લાવિયાથી CBTF247, T-20 એક્સચેન્જ નામનો ઓનલાઇન બેટિંગ એપ ચલાવતાં સટોડિયાઓના કાળા નાણાં ધોળા કરવા માટે આ ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ, ગુમાસ્તા લાયસન્સ અને સીમકાર્ડ તથા બેન્ક એકાઉન્ટ પૂરા પાડતાં હોવાની કબુલાત કરી હતી. તેમને આ કામ સોંપનાર સ્ટેશન રોડ લક્કડકોટ, ઝૈની કોમ્પલેક્ષમાં રહેતાં હુઝેફા કૌશર મકાસરવાળાની પણ પોલીસે ધરપકડ કરી હતી.

એક ડમી એકાઉન્ટ અને 40થી 50 હજાર મળ્યા

નેટવર્કની શરૂઆત અમદાવાદથી થઇ હતી. હુફેઝા સાથે અભ્યાસ કરી ચૂકેલાં અમદાવાદના પાર્થએ તેના પિતરાઇ હાર્દિક નવીન મહેતા સાથે કોન્ટેક્ટ કરાવ્યો હતો. હુઝેફાને એક ડમી એકાઉન્ટ માટે પચાસ હજાર રૂપિયા મળતાં. જ્યારે હરીશ અને ઋષિકેશને 40 હજાર મળતા. પોલીસે આ ત્રણેય પાસેથી 11 મોબાઇલ અને એક લેપટોપ સહિત અઢી લાખ કરતાં વધુની મત્તા કબજે કરી હતી.

યૂક્રેનનો કિશન બે મોબાઇલ અને લેપટોપ આપી ગયો

હોઝેફા પાસેથી ત્રણ મોબાઇલ, એક લેપટોપ મળ્યા હતા. જેમાંથી લેપટોપ અને બે મોબાઇલ યુક્રેનનો કિશન આપી ગયો હતો. મોબાઇલ અને લેપટોપ ચેક કરતાં ટ્રેડ ટીપ, રિટર્ન એન્ટ્રી DW 01&02, સ્ટોરેજ એન્ટ્રી DW 01&02 તથા @WORK નામના પાંચ ગ્રૂપ મળ્યા હતા. જેમાં યુગોસ્લાવીયાના અમિત UKR, હરેશ (ઇગલેન્ડ), યુક્રેનનાં કિશનભાઇ ઉપરાંત દેશના કુલ 13 નામોનો ઉલ્લેખ હોઇ પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.


  • Follow us on: