- કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો
- ભચાઉ વિસ્તારમાં નોંધાયો આંચકો
- ધરતીકંપની તીવ્રતા 3.4 રિક્ટર સ્કેલ મપાઈ
કચ્છની ધરતી ફરી એકવાર ધ્રૂજી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આ વખતે આ આંચકો કચ્છ જિલ્લાના ભચાઉ અને તેની આસપાસના વિસ્તારમાં અનુભવાયો હોવાનું સામે આવ્યું છે. આજે રાત્રે 8.54ના સુમારે આ ધરતીકંપનો આંચકો આવ્યો હોવાનું નોંધાયું છે.
મહત્વનું છે કે કચ્છમાં ભૂકંપનું કેન્દ્ર ભચાઉ વિસ્તારમાં નોંધાયું છે. જે ભચાઉ શહેરથી 21 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ભૂકંપનો આંચકો નાનો હતો. રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા 3.4ની હોવાનું નોંધાયું હતું. આમ આ મોટો ભૂકંપ નહોતો. જેથી તેમાં મોટા નુકસાન કે જાનહાનિની સંભાવના બહુ ઓછી હોય છે. જો કે હજુ સુધી આ મામલે કોઈ નુકસાન થયું હોવાની જાણકારી સામે આવી નથી. જો કે ભૂકંપ એ કચ્છ માટે નવી વાત નથી. અહીં ઈતિહાસની એક માહિતી પ્રમાણે 200 વર્ષમાં કુલ 73થી પણ વધુ મોટા ભૂકંપના આંચકા નોંધાઈ ચૂક્યા છે.
સમયગાળા પ્રમાણે આવેલા ધરતીકંપ
સને 1819 થી 1879 સુધી- ૩, 1880 થી 1890 સુધી - 5, 1891 થી 1900 સુધી - 9, 1901 થી 1910 સુધી - 24, 1911 થી 1920 સુધી - 8, 1921 થી 1930 સુધી - 12, 1931 થી 1940 સુધી - 7, 1941 થી 1950 સુધી - ર, 1950 થી 1956 સુધી-2 મળી કુલ્લ -72 બાદ 2001ના ભૂકંપ સાથે આંકડો 73 પહોંચ્યો છે. વધુ સને 1901 થી 1910 ના દશકમાં થયા છે. આ સિવાય નાના ભૂકંપની ઘટનાઓ તો ઘણી વાર બની ચૂકી છે.
કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
રિક્ટર સ્કેલ આંચકાની અસર
- 0 થી 1.9 ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે.
- 2 થી 2.9 હળવા કંપન
- 3 થી 3.9 કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
- 4થી 4.9 બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે.
- 5 થી 5.9 ફર્નીચર હલે છે.
- 6થી 6.9 ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે.
- 7થી 7.9 ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
- 8 થી 8.9 ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે.
- 9 કે તેથી વધુ સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી.
ભૂકંપ આવે તો શું કરવું?
- ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
- વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
- ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
- ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
- ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
- ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
- ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
- દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.









