• ઇંગ્લેન્ડની લીગમાં ભાગીદારી હાંસલ કરવા આઇપીએલની તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ રસ દાખવી રહી છે

  • મુંબઇ ઇન્ડિયન્સ લંડન સ્પિરિટનો હિસ્સો ખરીદવા માટે 1,085 કરોડ રૂપિયાની બોલી લગાવે તેવી સંભાવના
  • ઇસીબી આગામી મહિને આઠ ટીમોની 49 ટકાની ભાગીદારી વેચવાની પ્રક્રિયા શરૂ કરશે

ઇંગ્લેન્ડમાં રમાતી ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટ વિશ્વભરમાં લોકપ્રિય બની છે અને વિશ્વના મોટા મોટા સ્ટાર ક્રિકેટર્સ તેમાં રમે છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ આ ટૂર્નામેન્ટને વધારે મોટી તથા લોકપ્રિય બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

ઇસીબી સપ્ટેમ્બરમાં ટૂર્નામેન્ટની આઠ ટીમોનો કેટલોક હિસ્સો વેચવાની તૈયારીમાં છે. આ કારણથી આઇપીએલની તમામ 10 ફ્રેન્ચાઇઝી ટીમો પણ રસ દાખવી રહી છે. જો આઇપીએલની ફ્રેન્ચાઇઝીઓની ભાગીદારી ઓછી હશે તો પણ તેઓ પોતાની મરજી મુજબ ટીમનું નામ બદલી શકશે તેવી પણ ઇસીબીએ સહમતી વ્યક્ત કરી છે.

ઇસીબી આગામી મહિને આઠ ટીમોની 49 ટકાની ભાગીદારી વેચવાની પ્રક્રિયા શરૂ કરશે અને તેનાથી 400 મિલિયન પાઉન્ડ (લગભગ 4,342 કરોડ રૂપિયા) કમાશે. આઇપીએલની તમામ 10 ફ્રેન્ચાઇઝી પોતાની ભાગીદારી માટે બોલી લગાવે તેવી સંભાવના છે. આ તમામ ટીમોના માલિકો બોલી લગાવવા માટે તૈયાર છે પરંતુ તેઓ પોતાનું કેટલુંક નિયંત્રણ પણ ઇચ્છે છે. આઇપીએલ એક મોટી બ્રાન્ડ પ્લે છે અને તેથી ફ્રેન્ચાઇઝીના માલિકો નામમાં ફેરફાર થાય તેવું ઇસીબી ઉપર દબાણ લાદી શકે છે. જોકે તેમણે કેટલું રોકાણ કર્યું છે તેના ઉપર તેનો મદાર રહેશે.

લંડન સ્પિરિટનું નામ MI સ્પિરિટ થશે ।

મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી ધ હન્ડ્રેડમાં લંડન સ્પિરિટ ટીમનો 49 ટકાનો હિસ્સો ખરીદવા માગે છે. આ ટીમ ધ હન્ડ્રેડમાં સૌથી મોટી છે અને તેના માટે 100 મિલિયન પાઉન્ડ (લગભગ 1,085 કરોડ)ની બોલી લાગે તેવી સંભાવના છે. જો મુંબઇ ઇન્ડિયન્સ લંડન સ્પિરિટમાં ભાગીદારી હાંસલ કરવામાં સફળ રહેશે તો આ ટીમનું નામ ભવિષ્યમાં એમઆઇ સ્પિરિટ થઈ શકે છે. આ રીતે ટી20 ક્રિકેટમાં મુંબઇ ફ્રેન્ચાઇઝીની પાંચમી ટીમ બની જશે. એમઆઇ ફ્રેન્ચાઇઝીની બાકીની ચાર ટીમોમાં મુંબઇ ઇન્ડિયન્સ (આઇપીએલ), એમઆઇ ન્યૂયોર્ક (એમસીએલ), એમઆઇ કેપટાઉન (એસએ20) તથા એમઆઇ એમિરેટ્સ (આઇએલટી20)ના નામે સામેલ છે. રાજસ્થાન રોયલ્સની ટીમ નોર્ધન સુપર ચાર્જર્સ માટે બોલી લગાવી શકે છે. આ ફ્રેન્ચાઇઝીની કુલ ત્રણ ટીમો વિવિધ ટી20 લીગમાં રમે છે. દિલ્હી કેપિટલ્સ પણ ધ હન્ડ્રેડમાં બોલી લગાવી શકે છે.


  • Follow us on: