- પહેલાંથી જ 3 રેન્જ, 3 જિલ્લા અને એક કમિશનરેટ ખાલી છે
- આજકાલમાં IPSની બદલીઓ, છોટાઉદેપુરમાં SPS હોવાથી ECIએ વાંધો લીધો
- રાજ્યમાં પહેલાથી જ સુરત, કચ્છ અને અમદાવાદ એમ ત્રણ રેન્જ ખાલી
ભારતના ચૂંટણી આયોગ- ECIએ અમદાવાદ ગ્રામ્યના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક અને છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક એમ બંને DSPને તત્કાળ અસરથી છૂટા કરવા આદેશ કરતા ગુજરાત સરકારનો ગૃહ વિભાગ દોડતો થયો છે. ગુરૂવારે બપોરે આ આદેશને પગલે રાજ્યમાં હવે એક ડઝનથી વધુ IPS ઓફિસરોની બદલીઓની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. સંભવતઃ શનિવાર સુધીમાં ગુજરાત સરકાર ECIને નવા DSP સહિતના પહેલાથી ખાલી રહેલા IPSના પદો ઉપર નિયુક્તિ માટે પ્રસ્તાવ મોકલશે તેમ જણાવા મળ્યુ છે.
રાજ્યમાં પહેલાથી જ સુરત, કચ્છ અને અમદાવાદ એમ ત્રણ રેન્જ ખાલી છે. ચૂંટણી જાહેર થઈ તે પહેલાથી આણંદ, મહેસાણા અને અમદાવાદ ગ્રામ્ય એમ ત્રણ જિલ્લાના પોલીસ અધિક્ષકો તેમજ સુરત પોલીસ કમિશનરરેટ પણ ઈન્ચાર્જ IPSને હવાલે ચાલી રહ્યુ છે. આવી પરિસ્થિતિઓની વચ્ચે ગત સપ્તાહે લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ અમદાવાદમાં સેક્ટર એકના ચિરાગ કોરડિયા સહિત આઠ જેટલા IPSને ચાર્જ છોડી દેવા ECIએ આદેશ કર્યો હતો. હવે ગુરૂવારે છોટાઉદેપુર DSP ઈમ્તિયાઝ શેખ અને અમદાવાદ ગ્રામ્યના ઈન્ચાર્જ SP મેઘા તેવારને પણ હટાવવા માટે ECIએ આદેશ આપતા રાજ્ય સરકાર, ગૃહ વિભાગમાં નવા DSP નિયુક્ત કરવા દિવસભર બેઠકોનો ધમધમાટ રહ્યો છે. ECIના અધિકારીના જણાવ્યા અનુસાર છોટાઉદેપુરના DSP સ્ટેટ પોલીસ સર્વિસ- SPS હોવાથી લોકસભા ચૂંટણી સંચાલનમાં કાયદો અને વ્યવસ્થાના પરીપેક્ષ્યમાં તેમના સ્થાને IPS કેડરના ઓફિસરની નિયુક્તિ અનિવાર્ય છે. આથી, રાજ્ય સરકારને આ મુદ્દે સૂચના આપાઈ છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ઈન્ચાર્જ DSP હોવાથી રેગ્યુલર નિયુક્તિ માટે કહેવાયુ છે.










