- બરોડા યુથ ફેડરેશન દ્વારા એક મહિનામાં બીજો કાર્યક્રમ કરવામાં આવ્યો
- શાળામાં નિયમિત આવતા 160 વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા
- ત્રણ વર્ષમાં શહેરની 110 શાળામાં સંપૂર્ણ હાજરી થાય તેવો પ્રયાસ
બરોડા યુથ ફેડરેશન દ્વારા શહેરની શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનું પરિણામ 5 ટકા જેટલું ઊંચું લઈ જવા માટે ગુજરાતમાં પ્રથમ વખત પ્રોજેક્ટ પ્રોગ્રેસ શરૂ કરવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટ અંતર્ગત દ્વિતીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 160 થી વધુ વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે વિશે માહિતી આપતા બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રુક્મિલ શાહે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ પ્રોગ્રેસ રાજ્યમાં શરૂ કરવામાં આવેલો એક અનોખો પ્રોજેક્ટ છે. જેનો ઉદ્દેશ્ય સરકારી શાળાનું પરિણામ વર્ષના અંતે 5 ટકા જેટલું ઊંચું લાવવાનો છે.

પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત પ્રથમ કાર્યક્રમમાં કવિ દુલા કાક વિદ્યાલયમાં ધો. 1 થી 8માં નિયમિત આવતા 16 જેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે બાદ 3 ફેબ્રુઆરીના રોજ દ્વિતીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વિતીય કાર્યક્રમમાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. તેની સાથે ઈનામની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ કાર્યક્રમ કરતા દ્વિતીય કાર્યક્રમમાં વિદ્યાર્થીની સંખ્યામાં ટકાવારી પ્રમાણે 500 ટકાનો વધારો નોંધાયો છે. જે અમારા માટે ખુશીની વાત છે. દ્વિતીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે CA હિતેશભાઈ અગ્રવાલે સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. ઉલ્લેખનીય છે કે, બરોડા યુથ ફેડરેશન દ્વારા આવનાર સમયમાં વધુ શાળાઓમાં પ્રોજેક્ટ પ્રોગ્રેસ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

ત્રણ વર્ષમાં શહેરની 110 શાળામાં સંપૂર્ણ હાજરી થાય તેવો પ્રયાસ કરાશે
વડોદરા શહેરની શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક યોગ્યતાઓ વિકસાવવા માટે આવનારા સમયમાં બરોડા યુથ ફેડરેશન દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. હાલમાં સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ ઓછી જોવા મળે છે. શહેરમાં 110 જેટલી સરકારી શાળાઓ છે. આવનારા ત્રણ વર્ષમાં દરેક શાળામાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ હાજરી થાય તેવો પ્રયાસ કરવામાં આવશે.









