પેટલાદમાં તહેવાર ટાણે ઈમરજન્સી કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. પેટલાદમાં ઈમરજન્સી 108ને અત્યાર સુધી કુલ 38 ઈમરજન્સી કોલ મળ્યા છે. નવા વર્ષના દિવસે પણ પેટલાદમાં અકસ્માતો સર્જાયા છે.
11 વર્ષના બાળકનું અકસ્માતમાં થયું મોત
અગાસ ગામે રીક્ષા અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં નજીકમાં બેઠેલા બાળકનું મોત નીપજ્યું છે. બાઈક અને રીક્ષા વચ્ચે મોટો અકસ્માત થયો હતો, ત્યારે રસ્તાની સાઈડમાં બાકડા ઉપર બેઠેલા બાળકને બાઈક અથડાતા ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન બાળકનું મોત નોપજ્યું હતું. અક્ષય નામના 11 વર્ષના બાળકનું ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પામી હતી.
અનેક સ્થળોએ બાઈક સ્લીપ થવાના પણ બન્યા બનાવ
સમગ્ર બનાવની જાણ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા પેટલાદ ગ્રામ્ય પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસે બાઈકના ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પેટલાદ વિભાગમાં તહેવારો ટાણે 108ને 38 જેટલા ઈમરજન્સી કોલ મળ્યા છે. જેમાં પેટલાદ સીટી અને મહેળાવમાં કુલ 11 કોલ મળ્યા છે. પેટલાદમાં 108 વિભાગમાં આવતા વિવિધ વિસ્તારોમાંથી સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 38 કોલ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે તહેવારોને લઈને દિવસ દરમિયાન અનેક સ્થળે નાના-મોટા અકસ્માતના બનાવ બન્યા છે અને અનેક સ્થળોએ બાઈક સ્લીપ ખાવાના તેમજ બાઈકો વચ્ચે અકસ્માતના પણ બનાવો બન્યા છે.
આજે સુરતમાં અકસ્માતમાં 2 લોકોના થયા મોત
નવા વર્ષના પ્રથમ દિવસે જ રાજ્યમાં અનેક જગ્યાએ અકસ્માતની ઘટનાઓ બની છે. સુરત જિલ્લામાં આજે 2 અકસ્માત સર્જાયા છે. ત્યારે સુરતના માંગરોળના ધોરીકુઈ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 2 ગાડી અને 3 બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈકો, ઈનોવા અને 3 અલગ અલગ બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના મોત થયા છે. ત્યારે અન્ય ઈજાગ્રસ્ત થયેલા લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.













