- કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી
- પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ થયો છે
- વડોદરાના પાદરામાં જળબંબાકાર થયો
વડોદરામાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમના નવા નંબર જાહેર કરાયા છે. જેમાં પોલીસ કન્ટ્રોલ રૂમ 100 તેમજ 0265-2431414 છે. તેમજ પોલીસ ગ્રામ્ય 0265-2435636 અને જિલ્લા પંચાયત માટે 0265-2432027 નંબર છે. વડોદરા સિંચાઈ વર્તુળ નંબર 0265 2431291, 0265 2410861 તેમજ MGVCL માટે 0265 2436121, 2436133 નંબર જાહેર કરવામાં આવ્યા છે.
કોલીયાદ ગામે ઘૂંટણસમા પાણી ભરાયા
શહેરના કરજણ નગરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. તેમજ કોલીયાદ ગામે ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ થયો છે. પાલેજ, સીમળી રોડ પાણી જ પાણી જોવા મળ્યું છે. વડોદરાના પાદરામાં જળબંબાકાર થયો છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં પાણી ઘૂસ્યા છે. તથા નવા ST ડેપોથી ફૂલબાગ રોડ પર પાણી પાણી થયો છે. મકાનમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી લુપ્ત થયેલા મેઘરાજા આજે સવારથીજ ગર્જના સાથે વરસાદ લાવ્યા છે.
કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી
સતત કલાકો સુધી વરસાદ ચાલુ રહેતા વડોદરા શહેર જળબંબાકાર થઈ ગયુ હતું. એટલું જ નહીં હવામાનમાં આવેલા પલટાના કારણે આગામી તારીખ 30મી સુધી વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ આપી છે. માત્ર સવા ચાર ઇંચ વરસાદમાં વડોદરાની આવી હાલત થઈ ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ થશે તે શહેરીજનો માટે ચિંતાનો વિષય બની છે. શહેરમાં સવારથી શરૂ થયેલો વરસાદ અવિરત પડી રહ્યો છે, જેના કારણે ઠેરઠેર પાણી ભરાતા કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકો છાતી ઠોકીને કહેતા હતા કે, 95 ટકા પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ હજી તો વડોદરા શહેરમાં દોઢથી બે ઇંચ વરસાદ થયો છે, ત્યારે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એક વિસ્તાર બાકી નથી કે જ્યાં વરસાદી પાણી ભરાયા ના હોય. કોર્પોરેશન દ્વારા વર્ષે કરોડો રૂપિયા પ્રિમોન્સૂન કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ નજીવા વરસાદમાં જ આ કરોડ રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ નિર્માણ થતા કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.









