- શહેરના પશ્ચિમ અને કોટ વિસ્તાર મળી 9 લાખથી વધુ પ્રપોર્ટીકાર્ડ નીકળ્યા છે
- નોટિસ બાદ પણ રકમ નહીં ભરાય તો સિટી સર્વેની કચેરી દ્વારા કાર્યવાહી કરાશે
- બિનખેતની પ્રોપર્ટી પર રેગ્યુલર અને બાકી મહેસૂલ વેરાની વસૂલાત સિટી સર્વેની કચેરી કરશે
શહેરમાં છેલ્લા આઠ વર્ષમાં અંદાજે નવ લાખથી વધુ પ્રોપર્ટીકાર્ડ નીકળ્યા છે. જેમાં મોટાભાગના અમદાવાદ પશ્ચિમ અને કોટ વિસ્તારો છે. જે મિલકતોના પ્રોપર્ટીકાર્ડ ઇસ્યૂ કરાયા છે, તેવી બિનખેતની પ્રોપર્ટી પર રેગ્યુલર અને બાકી મહેસૂલ વેરાની વસૂલાત સિટી સર્વેની કચેરી કરશે. મહેસૂલ વેરો, શિક્ષણ ઉપકર અને લોકલ શેષની રેગ્યુલર અને બાકી રકમ નહીં ભરનારની મિલકત પર નિયમ મુજબ નોટિસ આપી બોજો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાશે. આ પછી પણ વેરો નહીં ભરે તો મિલકતની હરાજી પણ કરાશે. સિટી સર્વેની કચેરી દ્વારા મહેસૂલ વેરાની બાકી વસૂલાત માટે ખાસ ઝૂંબેશ હાથ ધરાઇ છે. હાલ અમદાવાદમાં 21.50 લાખ જેટલી પ્રોપર્ટી છે. જેમાં નવા વિસ્તારોમાં પૂર્વ સહિતના ઘણાં વિસ્તારોમાં પ્રોપર્ટીકાર્ડ કાઢવાની કામગીરી શરૂ થઇ નથી.
સિટી સર્વેના ડેપ્યુટી ડાયરેકટર કે.એમ.વસાવાએ જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં પ્રોપર્ટીકાર્ડ નીકળ્યા નહતાં, તેવી પ્રોપર્ટી પર અત્યાર સુધી મામલતદાર અને તલાટી દ્વારા દર વર્ષે મહેસૂલ વેરો, શિક્ષણ ઉપકર, લોકલ શેષની રકમ વસૂલાતી હતી. જેમાં ઘણી પ્રોપર્ટીના માલિકો અને સોસાયટીઓ દ્વારા મહેસૂલ વેરો ભરાતો નહતો. આવી મિલકતના પ્રોપર્ટી કાર્ડ નીકળી ગયા બાદ હવે રેગ્યુલર મહેસૂલ વેરાની સાથે બાકી વેરાની પણ વસૂલાત કરવાની જવાબદારી સિટી સર્વે કચેરીને સોંપાઇ છે. જેના ભાગરૂપે કચેરી દ્વારા ગત ઓગસ્ટથી ખાસ ઝૂંબેશ હાથ ધરાઇ છે. મામલતદાર અને તલાટી દ્વારા બાકી વેરાની વિસ્તાર પ્રમાણે જેમ જેમ યાદી પૂરી પડાશે, તેમ કાર્યવાહી હાથ ધરાશે.










