• સૌથી પહેલાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાનમાં નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવ્યો

  • ભારતમાં ઠેરઠેર રોશની અને આતશબાજી સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું
  • ભારતવાસીઓમાં નવા વર્ષે ન્યૂ ઈન્ડિયાના પીએમ મોદીનાં સપના સાકાર કરવા સંકલ્પ સાથે નિર્ધાર

રવિવારે રાત્રે બરાબર 12ના ટકોરે અનેક પડકારો તેમજ સમસ્યાઓના નિવારણ સાથે 2023ના વર્ષે વિદાય લીધી હતી. વિશ્વનાં ટાવરોમાં 12નાં ટકોરે ઘંટારવ થતાની સાથે જ ભારતની ઉત્સાહી પ્રજા દ્વારા નવા વર્ષ 2024નાં આગમનને નવી આશાઓ અને અરમાનો સાથે વધાવવામાં આવ્યું હતું. સોમવારની સવારનાં સોનેરી કિરણો નવી આશા અને અપેક્ષાઓ સાથે ધરતી પર ચારે તરફ તેની લાલિમા પ્રસરાવી રહ્યા હતા ત્યારે સમગ્ર ભારતવાસીઓએ પણ નવા વર્ષે નવા સોપાનો સર કરવાનો સંકલ્પ લીધો હતો. ન્યૂ ઈન્ડિયાનાં પીએમ મોદીનાં સપના સાકાર કરવાનો ઉમંગ અને ઉત્સાહ લોકોમાં છલકાઈ રહ્યો હતો. આખી રાત ભારતમાં ઠેરઠેર નવા વર્ષ 2024ને વધાવવા જશ્ન મનાવવામાં આવ્યો હતો. મોટામોટા શહેરોમાં પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં યૌવનધન 2024ને આવકારવા હિલોળે ચઢયું હતું.

આખા દેશમાં ઠેર ઠેર રોશની અને આતશબાજી કરવામાં આવી હતી. લોકોનાં જીવનમાં આનંદ, ઉમંગ તેમજ હર્ષોલ્લાસનાં નવા રંગ ભરવા મન મૂકીને લોકોએ નવા વર્ષના આગમનની ઉજવણી કરી હતી. સૌથી પહેલાં ન્યુઝીલેન્ડમાં નવા વર્ષનો જશ્ન મનાવવાનું શરૂ થઈ ગયું હતું. લોકોએ ઠેરઠેર રોશની અને આતશબાજી સાથે નવા વર્ષ 2024નાં વધામણાં કર્યા હતા. ન્યૂઝીલેન્ડનાં ઓકલેન્ડમાં, ઓસ્ટ્ર્લિયામાં સીડની હાર્બર ખાતે તેમજ જાપાનમાં પણ નવા વર્ષને આનંદ અને ઉલ્લાસ સાથે આવકારવામાં આવ્યું હતું.

ભારતના સર્વાંગી વિકાસ માટે અશ્વમેધ યજ્ઞનો ઘોડો પૂરપાટ દોડી રહ્યો છે

ભારતનાં સર્વાંગી વિકાસ માટે અશ્વમેધ યજ્ઞનો ઘોડો પૂરપાટ દોડી રહ્યો છે જેને રોકવાની કોઈનામાં તાકાત નથી. આપણો દેશ 2023માં અનેક ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરનારો દેશ બન્યો છે. રશિયા અને યૂક્રેન યુદ્ધની દુંદુભીઓ વાગી રહી છે ત્યારે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ વિશ્વ સામે ખતરો સર્જી રહ્યું છે. ગલ્ફના દેશો સહિત આખા વિશ્વમાં સમીકરણો બદલાઈ રહ્યાં છે. આવા પ્રતિકૂળ સમય અને સંજોગોથી અલિપ્ત રહીને ભારતે વિકાસની નવી દિશાઓ ખોલી છે, વિકાસનાં નવા આયામ હાંસલ કર્યા છે. 2023માં ભારત ચીનને પછાડીને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. અનેક પડકારો વચ્ચે ભારતે ય્-20 શિખર પરિષદનું સફળ આયોજન કરી વિશ્વમાં તેનું નામ ગુંજતું કર્યું છે. નવું વર્ષ ભારત માટે, ભારતવાસીઓ માટે, ભારતમાં લોકશાહીનાં જતન કરનાર પક્ષો માટે ઉત્સાહ અને ઉમંગભર્યું પુરવાર થાય તેવી આશા.

2024માં ભારત સહિત 10 દેશમાં સામાન્ય ચૂંટણીઓ

2024 ભારત સહિત કેટલાક દેશો માટે મહત્ત્વનું છે. ભારત, અમેરિકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 10 દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. અનેક આક્ષેપો અને આરોપો વચ્ચે ભારતમાં મુખ્ય રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો રાજ્યોમાં દબદબો જળવાઈ રહ્યો છે. લોકોને સરકારની તમામ નીતિઓ પસંદ આવી રહી છે. આ વખતે ભારે રસાકસી પછી લોકશાહીનું જતન કરવા જનાદેશ કોની તરફ જાય છે તેની પર બધો મદાર છે.

ભારતની ઈકોનોમી 2024માં પણ ઝડપી વિકાસ સાધતી રહેશે

ભારત માટે આનંદની વાત એ છે કે અનેક વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ ભારતની ઈકોનોમી ફુલ સ્વિંગમાં છે. જે 2024માં પણ ઝડપથી વિકાસ પામતી વૈશ્વિક ઈકોનોમી બની રહેશે. દેશમાં વપરાશી ચીજોની વધતી માંગ, ફુગાવામાં સ્થિર ઘટાડો, વિદેશી હૂંડિયામણની અનામતમાં સતત વધારો, શેરબજારમાં ફુલગુલાબી તેજી જેવા પરિબળો ભારતની વિકાસશીલ ઈકોનોમી માટે મહત્ત્વનાં ચાલકબળ પુરવાર થઈ રહ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં ભારતનો GDP ગ્રોથ 6.1 ટકા રહ્યો હતો જે જૂન ક્વાર્ટરમાં 7.8 ટકા અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.6 ટકા રહ્યો હતો. OECDનાં મતે 2024માં ભારતનો ગ્રોથ રેટ 6.1 ટકા રહી શકે છે.

2023માં ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી

અલવિદા લઈ રહેલું વર્ષ 2023 ભારત માટે અનેક સિદ્ધિઓ સાથે પ્રગતિનાં સોપાન સર કરનારું પુરવાર થયું છે. કોરોનાનાં કમરતોડ ફટકામાંથી વિશ્વનાં દેશો હજી બહાર આવવા મથામણ કરી રહ્યા છે ત્યારે ભારતે કોરોના સહિત અનેક પ્રતિકૂળતાઓને કોરાણે મૂકીને વિશ્વની પાંચમી ઝડપથી વિકાસ પામતી ઈકોનોમી તરીકે સ્થાન મેળવ્યું છે. આગામી 3-4 વર્ષમાં ભારત સૌથી ઝડપી વિકાસ પામતી વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી બનશે જેને કોઈ રોકી શકે તેમ નથી.

ભારતના સૂરજનો આખા વિશ્વમાં ઝગમગાટ

પીએમ મોદીની દૂરંદેશી, ઝડપી વિકાસ માટે સરકાર દ્વારા લેવાઈ રહેલાં પગલાં, તમામ દેશો સાથે સારા સંબંધો રાખીને સંતુલન સાધતી વિદેશનીતિ, આર્થિક વિકાસ માટે સરકાર દ્વારા લેવાઈ રહેલાં મહત્ત્વનાં પગલાં, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે કરોડોનું રોકાણ, ચંદ્રયાન-3નું ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ, સૂર્યનાં રહસ્યોનો તાગ મેળવવા આદિત્ય L-1 નું લાગ્રાન્જ પોઈન્ટ તરફ સફળ પ્રયાણ, અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ જેવી સિદ્ધિઓને કારણે ભારતનો સૂરજ વિશ્વમાં ઝગમગી રહ્યો છે.


  • Follow us on: