• કલર મર્ચન્ટ કો.ઓ.બેંક લોન કૌભાંડમાં નવો ફણગો ફૂટયો

  • આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી સમગ્ર કૌભાંડ આચર્યાનો ખુલાસો
  • ભોગ બનનારની જાણ બહાર લોન કરાવી બારોબાર નાણાંની હેરફેર કરી કૌભાંડ આચરાયું

કલર મર્ચન્ટ બેંક લોન કૌભાંડમાં તપાસ કરી રહેલી ક્રાઈમબ્રાંચ ઈઓડબલ્યુ (ઈકોનોમિક્સ ઓફેન્સ વિંગ)ની તપાસમાં નવો ફણગો ફૂટયો છે. તપાસમાં ખુલેલી વિગત મુજબ લોન ધારક અને સાક્ષીઓના બોગસ આઈટી રિર્ટન બનાવી આરોપીઓ દ્વારા ખોટી સહીઓ કરી લોનની ફાઈલ તૈયાર કરવામાં આવી હતી.

આ રીતે ભોગ બનનારની જાણ બહાર લોન કરાવી બારોબાર નાણાંની હેરફેર કરી કૌભાંડ આચરાયું હતું. કેસના આરોપી એવા બેંકના જનરલ મેનેજર કિન્નરની પત્ની અને માતાના ખાતામાં તેમજ લોન એજન્ટ એવા આરોપી ચિંતનના ખાતામાં નાણાંકીય લેવડદેવડ થયાના પૂરાવા પોલીસને મળ્યા છે. આમ, આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી સમગ્ર કૌભાંડ આચર્યાનો ખુલાસો થયો છે.

કલર મર્ચન્ટ કો.ઓ. બેંક દ્વારા પાસ કરવામાં આવેલી લોનની રકમ બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યાના આક્ષેપો કરી કેટલાક લોન ધારકોએ ગુજરાત હાઈકોર્ટમાં ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર મામલે તપાસના આદેશ છૂટતા કલર મર્ચન્ટ કો.ઓ. બેંક સાથે સંકળાયેલા લોકો વિરૂદ્ધ જૂદી જૂદી સાત ફરિયાદો નોંધાઈ હતી. આ ફરિયાદોને પગલે પોલીસે આરોપીઓ સામે ગુના દાખલ કરી લાગતાવળગતા લોકોને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા.

નવરંગપુરાની ઉષાદીપ સોસાયટીમાં રહેતાં નિતીનભાઈ નરેન્દ્રભાઈ રાજગુરૂએ કલર મર્ચન્ટ બેંકની સેટેલાઈટ બ્રાંચના મેનેજર અતુલ શાહ, બેંકના જનરલ મેનેજર કિન્નર શાહ, ચેરમેન બિમલ પરીખ અને લોન એજન્ટ ચિંતન શાહ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જે મુજબ ફરિયદીને મોર્ગેજ લોનના ડીડમાં ફેરફાર કરવા સહી માટે સબ રજીસ્ટ્રાર ઓફીસે બોલાવી જાણ બહાર ટોપઅપ લોનના મોર્ગેજ ડીડમાં સહી કરાવી લીધી હતી. આ રીતે આરોપીઓએ ફરિયાદી નિતીનભાઈની સદગુરૂ કોટન કંપની અને પત્ની પારૂલબહેનના નામે 55 લાખની ખોટી ટોપઅપ લોન મંજૂર કરાવીને તેના નાણાં અન્ય પાર્ટીઓના એકાઉન્ટમાં બારોબાર આરટીજીએસ, સેલ્ફ કેશ કે ડી.ડી.થી ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી હતી. આ ગુનામાં પોલીસે આરોપી અતુલ શાહ, કિન્નર શાહ, બિમલ પરીખ, ચિંતન શાહ અને કૌશલ દરજીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી કિન્નર શાહના પત્ની અને માતાના બેંક ખાતા તેમજ આરોપી એજન્ટ ચિંતનના ટ્રાવેલ્સના બેંક એકાઉન્ટમાં નાણાંકીય વ્યવહારો થયા હતા. ચિંતને ફરિયાદીની જાણબહાર તેઓના નામે કરાવેલી ટોપઅપ લોનની ફાઈલ પોતાના સ્વહસ્તાક્ષરમાં ભરી તૈયાર કર્યાનું તેમજ ફરિયાદીના આઈટી રિર્ટન બોગસ બનાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. આરોપીએ ફરિયાદી અને સાક્ષીઓની ખોટી સહીઓ લોન પેપર્સમાં કર્યાનો ઘટસ્ફોટ પણ થયો હતો.

બેંકના પૂર્વ ચેરમેનની કંપનીના ખાતામાંથી દસ લાખ ટ્રાન્સફર થયા

બેંકના પૂર્વ ચેરમેન અને આ કેસના આરોપી બિમલ પરીખના એસોસીયેટસ કેમીકલના ખાતામાંથી આરોપી ચિંતનના કુથુનાથ ટ્રાવેલ્સના ખાતામાં દસ લાખ જમા થયા હતા. બિમલ પરીખની ઓફિસમાં તપાસ દરમિયાન પોલીસને ચિંતનના ટ્રાવેલ્સ એકાઉન્ટનો રૂ.એક લાખની મત્તાનો ચેક પણ મળી આવ્યો હતો. આ ઉપરાંત મેનેજર અતુલ શાહની સહીવાળો ફરિયાદીના કરંટ ખાતાનો ગત તા.4-12-2019ના રોજનો રૂ. 9.30 લાખની મત્તાનો ડીમાન્ડ ડ્રાફટ પણ પોલીસે જપ્ત કર્યો હતો.


  • Follow us on: