• રાજકોટનો પ્રથમ દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાયો

  • કુલ 170 દિવ્યાંગોમાંથી 123 ને 254 સાધનો પૂરાં પાડવાનું આયોજન
  • દિવ્યાંગતાના નવા સર્ટિફિકેટ કાઢી આપવાની કાર્યવાહી સ્થળે કરવામાં આવી હતી

રાજકોટ જિલ્લાના પડધરી ખાતે જિલ્લાનો પ્રથમ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ 170 દિવ્યાંગો એકત્ર થયા હતા. જેમાંથી 123ને ટ્રાઇસિકલ સહિતનાં સાધનોની જરુરિયાત જણાતા એ તમામને જે જે સાધનની સહાય કરવાની છે તેવાં 24 સાધનોની યાદી કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે. ટૂંક સમયમાં આ સાધન સહાય ચૂકવવામાં આવશે.

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન તળે એલિમ્કો કંપનીના સહયોગથી પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોજાયેલા આ કેમ્પમાં 123 દિવ્યાંગો માટે વ્હીલચેર, વોકિંગ સ્ટીક, ફોલ્ડિંગ વ્હીલચેર, બેટરી સંચાલિત ટ્રાઇસિકલ, એડજેસ્ટેબલ ક્રેચ વગેરે મળી કુલ રુ. 17.49 લાખની કિંમતનાં 254 સાધનોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે યાદી કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવી છે. ત્યાંથી મંજૂરી મળે એટલે તમામ 123 દિવ્યાંગોને સાધનની સહાય પૂરી પાડવામાં આવશે.

દિવ્યાંગજનોને તકલીફનો સામનો ન કરવો પડે તે વાતને ધ્યાને લઈ દિવ્યાંગતાના સર્ટિફિકેટ રિન્યૂ કરવાથી માંડી નવા સર્ટિફિકેટ કાઢી આપવાની કાર્યવાહી આ સ્થળે કરવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી દેવાહુતિના હસ્તે દિવ્યાંગોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પડધરી તાલુકા આરોગ્ય અધિકારી વૈભવ ગોરિયા, ડો. જુહી સોનાગરા, ડો. વિશાખા ચાવડા, ડો. પ્રશાંત ઠાકર સહિતના તબીબોએ સેવા આપી હતી.


  • Follow us on: