- ગુજરાત હાઇકોર્ટની ફટકાર છતાં અમલવારી નહીં
- અમદાવાદમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં પોલ ખુલી
- અમદાવાદમાં આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો
ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે પોલીસ તંત્ર અને સરકારને આડે હાથ લીધા હતા. હાઈકોર્ટે કહ્યું કે યાદ રાખો ટ્રાફિક સમસ્યા સરકાર માટે નવી વાત નથી. હાઈકોર્ટના નિર્દેશ ફક્ત પેપર પૂરતા ના હોય, રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ સાથે આવે અને તેમનું કામ બતાવે.ત્યારે આજે સંદેશ ન્યૂઝ દ્રારા આ વાતને લઈ રિયાલિટી ચેક કરવામાં આવી જેમાં સામે આવ્યુ કે શહેરના પોશ વિસ્તારમાં ભણેલા લોકો ગમે તેમ વાહન પાર્ક કરીને જતા રહે છે.
ટ્રાફિક સમસ્યાનું લાવો નિરાકરણ : HC
ટ્રાફિક સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ સરકાર અને પોલીસને વારંવાર ટકોર કરી રહી છે,પાર્કિંગ, ટ્રાફિક મુદ્દે આપેલી તંત્રની બાંહેધરી કાગળ પર રહે છે તેવું ગુજરાત હાઈકોર્ટને લાગી રહ્યું છે.રીક્ષાચાલકોના પાર્કિંગમાં કારચાલકો પાર્કિંગ કરીને જતા રહે છે,ફૂટપાથ પર વાહનચાલકોના પાર્કિંગથી લોકો પરેશાન થયા છે.ઇસ્કોન, બોડકદેવ સહિતના વિસ્તારમાં બેફામ પાર્કિંગ લોકો કરી રહ્યાં છે તેવું સંદેશ ન્યૂઝના કેમેરામા કેદ થયું છે.મનફાવે તેવા પાર્કિંગ સામે કાર્યવાહી કરશે કોણ ? HCની ફટકાર બાદ પણ સ્થિતિ જૈસે થે વૈસે જેવી છે.

શેઠની શિખામણ ઝાપા સુધી કહેવતને સાર્થક કરતું તંત્ર
ગુજરાત હાઇકોર્ટની ફટકાર છતાં અમલવારી ટ્રાફિક પોલીસ નથી કરી રહ્યું છે.ટ્રાફિક પોલીસનો મુખ્ય રોલ શહેરમાં ટ્રાફિક સમસ્યા ના સર્જાય તેનુ ધ્યાન રાખવાનો હોય છે પરંતુ શહેરમા લોકો નો પાર્કિંગમાં પણ ગમે તે રીતે વાહન પાર્ક કરીને જતા હોય છે સાથે સાથે ફૂટપાથ પર લોકો વાહન પાર્ક કરીને જતા રહે છે,ટ્રાફિક પોલીસ દંડનીય કાર્યવાહી કરી શહેરીજનોને સુધારે તે જરૂરી બન્યું છે.

શહેરમાં 83 ટકા બિલ્ડીંગ પાસે પાર્કિગ નથી: અરજદાર
ત્યારે અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે શહેરમાં બિલ્ડિંગો પાસે પૂરતા પાર્કિગ નથી અને શહેરમાં પાર્કિગની મોટી સમસ્યા છે. લોકો ફૂટપાથ પર પોતાના વાહનો પાર્ક કરે છે અને ફૂટપાથ પર ચાલવા માટે પણ જગ્યા રહેતી નથી. અરજદારે કહ્યું હતું કે શહેરમાં 83 ટકા બિલ્ડીંગ પાસે પાર્કિગ નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ હાઈકોર્ટે ગુજરાત સરકાર અને અમદાવાદ ટ્રાફિક વિભાગને ટકોર કરી હતી કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા એવીને એવી જ છે. ટુ-વ્હીલર પર 3 લોકો સવાર થઈને નીકળે છે અને પોલીસ મુકપ્રેક્ષક બનીને જોઈ રહે છે, તે યોગ્ય નથી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પગલા લેવા જરૂરી છે.









