- ચૈત્ર વદ અમાસે મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં ખગ્રાસ સૂર્યગ્રહણ
- સવારે 7.04થી બપોરે 12.29 સુધી ગ્રહણ
- ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિલીપાઇન્સ, દક્ષિણ પૂર્વ એશિયામાં ગ્રહણ દેખાશે
આગામી 20 એપ્રિલ, ગુરુવારના રોજ 2023ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે. ચૈત્ર વદ અમાસે મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેને કારણે ધાર્મિક રીતે વેધ પાળવાનો નથી એવો મત જ્યોતિષીઓ આપી રહ્યા છે.
ગત 8 નવેમ્બર-2022ના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ બાદ હવે 20 એપ્રિલના ગુરુવારે ખગ્રાસ સૂર્યગ્રહણ થશે. જ્યોતિષના જણાવ્યા અનુસાર, 20 એપ્રિલના રોજ ચૈત્ર વદ અમાસના ગુરુવારે મેષ રાશિ, અશ્વિની નક્ષત્રમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફિલીપાઇન્સ, દક્ષિણ પૂર્વ એશિયામાં દેખાશે, પરંતુ ભારતમાં દેખાશે નહીં. ગ્રહણ સ્પર્શ સવારે 7.04 કલાકે થશે, ગ્રહણ મધ્ય 9.47 વાગ્યે અને મોક્ષ બપોરે 12.29 વાગ્યે થશે. ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય વેધ પાળવાનો રહેશે નહીં. ત્યાર બાદ 5 મેના રોજ શુક્રવારે તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં છાયા ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયામાં દેખાશે. ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં. ગ્રહણ સ્પર્શ રાત્રિએ 8.44 વાગ્યે થશે અને મોક્ષ મધરાત્રિએ 1.02 વાગ્યે થશે.










