- પાંચ એજન્સીઓના સર્વે મુજબ ભાજપને 125-140ની સીટ
- EXIT POLLના આંકડા મુજબ કોંગ્રેસને 30-45ની સીટ
- સર્વે મુજબ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી
વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠક માટે 63.31 ટકા મતદાન થયું હતું. જ્યારે આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે પરિણામો પહેલાની ઉત્સુકતા જોવા મળી રહી છે. ગુજરાતમાં કોણ જીતશે કમળ, પંજો, ઝાડુ કે અન્ય? તેની ચર્ચા ચોમેર થવા લાગી છે. શું કહે છે એક્ઝિટ પોલના આંકડા?
| સ્ત્રોત | ભાજપ | કોંગ્રેસ | આપ | અન્ય |
| ટીવી9 | 125-135 | 40-50 | 3-5 | 3-7 |
| NEWSX | 117-140 | 34-51 | 6-13 | |
| P MARQ - REPUBLIC TV | 128-148 | 30-42 | 2-10 | |
| જનકી બાત | 125-130 | 40-50 | 3-5 | 3-7 |
| ઈન્ડિયા ટૂડે | 131-151 | 16-30 | 9-21 | |
| મહા એગ્ઝિટ પોલ | 131 | 41 | 0-7 | 0-3 |
એટલે કે તમામ એક્ઝિટ પોલ ભાજપની તરફેણમાં આંકડા છે. એકેય એક્ઝિટ પોલ કોંગ્રેસ કે આપને મેજિક ફિગરની નજીક પણ નથી ગણાવતો. આ પોલમાં ભાજપને 131 બેઠકો મળવાની છે જ્યારે કે કોંગ્રેસને 41 બેઠક અને આમ આદમી પાર્ટીને 0-7 બેઠક અને અન્યને 0-3 બેઠક મળવાનો દાવો કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલના તારણ ખોટા ન પડે તો ભાજપ ફરી સત્તા સ્થાને બિરાજવા અગ્રેસર છે અને 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસનું વધુ એકવાર સત્તાનું શમણું તૂટી પડશે. જોકે આ તો એક્ઝિટ પોલ છે. સત્તાએ ખરેખર કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તે પરિણામમાં ખબર પડી જશે.
| પક્ષ | બેઠક |
| ભારતીય જનતા પાર્ટી | 99 |
| ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | 77 |
| ભારતીય ટ્રાયબલ પાર્ટી | 2 |
| નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી | 1 |
| અપક્ષ | 3 |
| કુલ | 182 |
ભાજપને 2017 કરતાં વધારે સીટ મળશે
ગુજરાત વિધાનસભા 2017માં પાટીદાર અનામત ફેક્ટરની અસરના કારણે ભાજપ વિરોધી વાતાવરણ હતું અને સરકાર સંકટમાં મૂકાઈ હોય તેવો માહોલ હતો છતાં ભાજપને બહુમતી મળી હતી. જો કે ભાજપની સીટમાં 2012ની સાપેક્ષમાં ઘટાડો થયો હતો. 2017માં ભાજપને માત્ર 99 બેઠકો મળી હતી. આ વખતે 2022માં મોંઘવારીનો મુદ્દો છાપરે ચડીને ચગ્યો છે એટલે લોઅર મિડલ ક્લાસ કઈ બાજુએ વળ્યો છે તે નક્કી ન કહી શકાય પણ ત્રણેય પક્ષોએ પ્રચારમાં કોઈ કમી બાકી રાખી નહોતી એટલે તેની અસર પણ કેવી થઈ છે તે એક્ઝિટ પોલમાં દેખાઈ આવે છે. ટૂંકમાં, 2017માં ભાજપને 99 સીટ મળી હતી, તેના કરતાં આ વખતે વધારે સીટો મળવાના તારણો સામે આવ્યા છે.
ગુજરાત વિધાનસભામાં ઘણા સમય પછી ત્રીજા પક્ષની એન્ટ્રી
આ વખતે ગુજરાતની તમામ 182 સીટો પર ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ લડે છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને NCPના ત્રણેક ઉમેદવારો લડતા હતા પણ ત્રીજી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે પરિણામમાં નવા સમીકરણો સામે આવશે એ એક્ઝિટ પોલ પરથી સમજાય છે.
2017માં ગુજરાત માટેના એક્ઝિટ પોલમાં શું દાવા કરવામાં આવ્યા હતા?
પાંચ વર્ષ પહેલા એટલે કે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પછી પણ તમામ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા હતા. તેમાંથી મોટાભાગના લોકોએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. જો કે દરેકે ચોક્કસ રીતે સીટોનો અલગ અંદાજ લગાવ્યો હતો. સૌથી સચોટ અનુમાન ઈન્ડિયા ટુડે એક્સિસનું હતું. આ હિસાબે ભાજપને 99થી 113 બેઠકો મળવાનો અંદાજ હતો. જ્યારે કોંગ્રેસને 68 થી 82 બેઠકો આપવામાં આવી હતી. 2017માં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.










