સુરત શહેરમાં હવે સ્ટરલાઈન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિંજ વેચવામાં આવી રહી છે. માથાભારે જમીલ જંગલી, તૌફિક અને રેહાનની 12.54 ગ્રામ MD સાથે ધરપકડ બાદ આ ખુલાસો થયો છે. ડ્રગ્સ માફિયાઓ પાસેથી 35 ઈન્સ્યુલિન સિરિંજના ઈન્જેક્શન મળી આવ્યા છે. મિલકત સંબંધી ગુનામાં ભાઠેનાનો કુખ્યાત ગુનેગાર જમીલ જંગલીના ઘરે, સુરત કાઈમ બાન્ચે રેડ કરીને 12.54 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.
સ્ટરલાઈન વોટરમાં એમ.ડી. મિક્સ કરી ડ્રગ્સ ભરેલી સિરિંજ ગ્રાહકોને વેચવામાં આવતી
તેની સાથે મથાભારે તૌફિક પટેલ અને રેહાનખાનને પણ ઝડપી લેવાયા હતા. અહીંથી પોલીસે સ્ટરલાઈન વોટરની 11 શીશી અને 35 ઈન્સ્યુલિન ઇન્જેક્શન કબજે કર્યા હતા. સ્ટરલાઈન વોટરમાં એમ.ડી. મિક્સ કરી ડ્રગ્સ ભરેલી સિરિંજમાં ગ્રાહકોને વેચવામાં આવતી હતી. ડ્રગ્સ વેચાણના રોકડા 60,500 પણ પોલીસે કબજે લીધા હતા, સુરત ક્રાઈમ બ્રાન્ચે શનિવારે સાંજે ભાઠેના પંચશીલનગરમાં રહેતા માથાભારે જમીલ ઉર્ફે જંગલી અમીરખાન (ઉ.વ. 43)ના ઘરે રેડ કરી હતી. આ શખ્સ મોટા પ્રમાણમાં એમ.ડી. ડ્રગ્સ ઈન્સ્યુલિન સિરીંજમાં ભરી વેચાણ કરતો હોવાની ગુપ્તા બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી.
સ્ટરલાઈન વોટરની 11 શીશી અને 35 ઈન્સ્યુલિનના ઈન્જેક્શન મળી આવ્યા
પોલીસની રેડમાં જમીલ જંગલી ઉપરાંત 10 જેટલા ગુનામાં સંડોવાયેલો તૌફિક જહાંગીર પટેલ અને રેહાન રહેમાન ખાનને દબોચી લેવાયા હતા. પોલીસને અહીંથી 1.25 લાખની કિંમતનું 12.54 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ્સ વેચાણના રોકડા રૂપિયા ઉપરાંત સ્ટરલાઈન વોટરની 11 શીશી અને 35 ઈન્સ્યુલિનના ઈન્જેક્શન મળી આવ્યા હતા. નશો કરવા આવતા ગ્રાહકોને અહીંથી એમ.ડી. ડ્રગ્સની પડીકીને બદલે સીધું જ ત્રણથી પાંચ હજાર રૂપિયામાં લિકિવડ સ્વરૂપે ઈન્જેક્શન (સિરીજ) અપાતું હોવાનો ખુલાસો થયો હતો. આ નવી ટેક્નિકથી બહાર આવતાં મામલો ગંભીર બન્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધવાની સાથે આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને સિરિંજનો આઈડિયા કેવી રીતે આવ્યો તેને લઈ તપાસ હાથ ધરી છે.
ડિલિવરી આપતા વ્યક્તિઓની સંડોવણી બહાર આવી
પોલીસે અહીંથી ચાર મોબાઇલ ફોન કબજે કર્યા હતા. 10 હજારની કિંમતનો એક મોબાઇલ ફોન ગ્રાહકનો હોવાનું ઝડપાયેલા આરોપીઓએ જણાવ્યું હતું, જે ગ્રાહકો અહીં ડ્રગ્સનો નશો કરવા આવતાં તેમને ડ્રગ્સ ભેળવેલી સિરિંજ આપવામાં આવતી હતી. એક ગ્રાહક નશાના સકંજામાં એટલી હદે સપડાયો હતો કે તેણે પોતાનો મોબાઇલ ફોન આ ડ્રગ માફિયાઓ પાસે ગીરો મુકી નશો કર્યો હતો. પોલીસે આ મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. એમ.ડી. ડ્રગ્સ પ્રકરણમાં ત્રણ ડિલિવરી આપતાં વ્યક્તિઓની સંડોવણી બહાર આવી હતી. મીઠીખાડીનો દાનીશ, ભાઠેનોના સદ્દામ ખજૂર ડ્રગ્સની ખેપ આપી જતા હતા. આ બંનેને ટ્વીશા નામની મહિલા ડ્રગ્સનો જથ્થો પુરો પાડતી હતી. પોલીસને ટ્વીશાનો મોબાઈલ નંબર પણ મળી આવ્યો હતો, જેને આધારે પોલીસ તેને શોધવા માટે દોડાદોડી કરી રહી છે.









