સુરતમાં RTI- કથિત પત્રકાર તોડકાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે. પત્રકાર શાકીર શાબીર શૈખ RTI કરી નામાંકિત લોકો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ કરતો હતો હોવાનું સામે આવ્યું. RTI એક્ટિવિસ્ટના નામે પત્રકારોના તોડકાંડ મામલાની તપાસમાં શાકીરની ધરપકડ કરવામાં આવી. ખંડણીખોર પત્રકાર શાકીર શાબીરની પાસા હેઠળ અટકાયત કરી સેન્ટ્રલ જેલ ભૂજ મોકલાયો.
RTI કરી બિલ્ડરો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ
શહેરના કોટ વિસ્તારમાં ચોક્કસ પત્રકાર ટોળકીનો ત્રાસ જોવા મળ્યો.આ પત્રકાર ટોળકી RTI કરી બિલ્ડરો પાસેથી પૈસા પડાવતા હતા. બિલ્ડરોને હેરાન કરવા કથિત ટોળકી RTI એક્ટિવીસ્ટ તરીકે SMCમાં અરજીઓ કરતા હતા.
RTI કરી બિલ્ડરો પાસેથી પૈસા પડાવવાના તોડકાંડમાં શાકીર સાબીર ઉપરાંત મોહમ્મદ બિલાલ સામે પણ ફરિયાદ નોંધાઈ. મોહમ્મદ બિલાલ અને શાબીર શેખના વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો. ખંડણીખોર શાકીર શાબીર સામે ત્રણ ગુનાઓ નોંધાયા છે. જયારે તોડકાંડમાં મોહમ્મદ બિલાલ પણ શાકીબનો સાથીદાર હોવાનું સામે આવ્યું. બંને લોકોએ ભેગા મળી ખાનગી ટ્રસ્ટના વૃદ્ધને બ્લેક મેલ કરી ધમકી આપી ગળુ દબાવી પૈસા પડાવી લીધા. આ ટોળકીએ વૃદ્ધને ધમકી આપી કે ગુજરાત વકફ બોર્ડમાં અમારી ઓળખાણ છે અમે ટ્રસ્ટની જમીનની મેટર જલદી પતાવી આપીશું. વૃદ્ધને ધમકી આપી આ ટોળકીએ 1.70 લાખ રૂપિયા પડાવી લીધા.
વૃદ્ધને બદનામ કરવાની આપી ધમકી
ઓલપાડના ટ્રસ્ટના વૃદ્ધ પ્રમુખે જ્યારે આ ટોળકી પાસે કામને લઈને માહિતી માંગી ત્યારે તેમના તરફથી ગલ્લાં તલ્લાં કરવામાં આવ્યા. વૃદ્ધ દ્વારા વારંવાર પૂછવામાં આવતા એલફેલ બોલી જમીનનું કામ પણ નહિ થાય અને પૈસા પણ પરત નહિ મળે તેમજ ન્યુઝ પેપર અને ચેનલમાં ખોટાં ન્યુઝ છાપી બદનામ કરીશું તેવી ધમકી આપવામાં આવી હતી. જેના બાદ ટ્રસ્ટના વૃદ્ધ માલિકે QN ન્યુઝના મોહમંદ બિલાલ અને દિવ્ય સંદેશ ન્યુઝ પેપરના સાબીર અબ્દુલ હમીદ સામે ફરિયાદ નોંધાવી.વૃદ્ધની ફરિયાદ બાદ શહેરમાં RTI એક્ટિવિસ્ટના નામે કથિત પત્રકારો દ્વારા થતા રૂપિયા પડાવવાનું કૌભાંડ થયાનું સામે આવતાં રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પત્રકારત્વને બદનામ કર્યું
પત્રકાર શાકીર શાબીર શૈખે પત્રકારત્વને બદનામ કર્યું. પત્રકારોની સમાજમાં મહત્વની ભૂમિકા હોય છે. મીડિયા અને અખબારમાં કામ કરતા પત્રકારો લોકોમાં જાગૃકતા લાવવા અને ઘટનાઓ તેમજ હકીકતોને લોકો સુધી પંહોચાડે છે. સરકાર અને લોકો વચ્ચે કડીરૂપ બનતા આ પત્રકારો પ્રજાની સમસ્યાનો અવાજ બનતા હોય છે. પરંતુ આજે પત્રકારત્વને લાંછના લગાડનાર કથિત પત્રકારો અલગ પ્રકારનું પત્રકારત્વ કરવા લાગ્યા છે. પત્રકાર બની બિલ્ડરો અને વેપારીઓ પાસેથી રૂપિયા પડાવવા RTI કરી તોડ કરવામાં આવે છે.