• ભેજનું પ્રમાણ હોવાના કારણે વાદળછાયુ વાતાવરણ 5 દિવસ રહેશે
  • રાત્રે લઘુતમ તાપમાનના પારામાં 2થી 3 ડિગ્રી ઘટશે
  • દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે વરસાદ 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી શકે છે. આ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છે ત્યારે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કાલથી 5 દિવસ સુધી ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત દ્વારા આપવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં 1થી 5 સુધી ચોમાસા જેવો માહોલ જોવા મળવાની આગાહી કરી છે. તેમજ કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

આગામી દિવસોમાં રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેમજ રાજ્યમાં 2થી 4 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. જેને પગલે ખેડૂતોમાં હાલ ચિંતાનાં વાદળ ફરી છવાયા છે. જ્યાં એક તરફ રવિવારે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, પાટણ અને કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. 

હવામાન ખાતા દ્વારા આજે અને શુક્રવારે એમ બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વલસાડ, તાપી, ડાંગ અને નવસારીમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદના લીધે અમદાવાદ સહિતના મોટાભાગના વિસ્તારમાં હજુ દિવસ દરમિયાન ચોમાસા જેવો વાદળછાયો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્તમ તાપમાન હાલમાં સામાન્ય કરતાં 3.7 ડિગ્રી નીચું નોધાતા દિવસે પણ ઠંડીનો અહેસાસ થાય છે.
  • Follow us on: