- સ્ટેટ લેવલની 19 ટીમ દ્વારા રાજ્યભરમાં 2 દિવસ માટે સઘન ચકાસણી ઝુંબેશ
- એકત્ર કરાયેલા 290 નમૂનાઓનું કરાશે ઓથોરાઇઝ્ડ લેબમાં ટેસ્ટિંગ
- બિયારણ-ખાતર-દવાનો અંદાજે રૂ. 1.68 કરોડની કિંમતનો જથ્થો અટકવાયો
રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી 39 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા તા. 23-05-2024 થી સ્ટેટ લેવલની 19 સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તા યુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને આપેલા દિશા-નિર્દેશો અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના 32 ઉત્પાદકો તેમજ બિયારણના 417, ખાતરના 268 અને દવાના 378 વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી મુલાકાત લીધી છે.










