- દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાની અસર
- વરસાદ વરસતા ખેતીના પાકમાં મોટા નુકસાનની ભીતિ
- ખેડૂતોને પાક પલળી જતાં નુકસાન થાય તેવો ભય
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મોટી ચિંતાના સમાચાર સામે આવ્યા છે. અહીં તાપી, વલસાડ અને બારડોલી જેવા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હોવાની જાણકારી સામે આવી છે. મહત્વનું છે કે 3-4 ડિસેમ્બરના રોજ ગુજરાતના અમુક ભાગોમાં જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હાલમાં વરસાદ ચાલુ થયો હોવાની જાણકારી મળી છે. આ મામલે વધુ માહિતી અનુસાર હાલમાં વધુ એકવાર રાજ્યમાં કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. આ વરસાદના પગલે ખેડૂતો મોટી ચિંતામાં મૂકાયા છે. ખાસ કરીને તાપી, સુરત અને વલસાડ જિલ્લામાં વરસાદની જાણકારી સામે આવી છે. આ તમામ વિસ્તારોમાં ખેડૂતો મોટી ચિંતામાં મૂકાયા છે.
કમોસમી માવઠાના પગલે તુવેર, શાકભાજી જેવા ખેતીના પાકો અને અન્ય જણસો તેમજ રવિ પાકમાં મોટી નુકસાનીની ચિંતા ધરતીપુત્રોને સતાવી રહી છે. હજુ તો ગયા માવઠાની નુકસાનીનો સરવે ચાલુ થયો છે તેમજ તેના નુકસાનીનું વળતર મળવાનું બાકી છે. મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું હોવાની જાણકારી સામે આવી છે ત્યારે વધુ એક માવઠાના આગમનથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ફફડાટ વધ્યો છે અને તેમને પાકમાં મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે.
હાલમાં ખાસ કરીને ચણા, તુવેર, રાયડો, કપાસ, મગફળી, એરંડા જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે ખેડૂતોમાં પહેલાથી જ ચિંતાનો માહોલ હતો. ત્યારે અચાનક વધુ એકવાર વરસાદે આસમાનમાંથી દેખા દેતા જગતનો તાત મૂંઝાઈ ગયો છે. ટૂંકાગાળામાં જ કુદરતના બેવડા પ્રહારથી ચિંતાગ્રસ્ત બનેલા ખેડૂતને હવે માત્ર સરકારનો સહારો હોય તેવું લાગી રહ્યું છે.
હાલમાં ખાસ કરીને વલસાડના દરિયાઈ કિનારાની પટ્ટી પર માવઠાની અસરના લીધે વરસાદ વરસ્યો હતો. વલસાડમાં 18 મી.મી, ઉમરગામ 15 મી.મી, વાપી 14 મી.મી, ધરમપુર 3 મિ.મી, કપરાડામાં એક મિમી વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું હતું. હાલપૂરતો જિલ્લાના મુખ્યપાક એવા કેરીને નુકસાનની સંભાવના નથી જણાઈ પરંતુ જો વધુ વરસાદ પડે તો ડાંગરના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.