દસાડા તાલુકા ગ્રામ્યમાં તંત્રના વાંકે પરેશાની જગતના તાતને : નર્મદા કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા 500થી 600 વીઘા જમીનમાં પાકનું ધોવાણ થતા ખેડૂતોને આર્થિક ફટકો
દસાડા તાલુકામાં કેનાલો વારંવાર ઓવરફલો અને લીકેજ થવાની સમસ્યાઓ સર્જાય છે. 2 દિવસ પહેલા લખતર ખાતે પ્રાંત અધીકારીની અધ્યક્ષતામાં નર્મદા કેનાલના વીવીધ ડીવીઝનના અધીકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આ મુદ્દે રજુઆત પણ થઈ હતી. તેમ છતાં શુક્રવારે સવારે દસાડાના બામણવા-જરવલા વચ્ચે પસાર થતી નર્મદાની માઈનોર કેનાલ ઓવર ફલો થઈ છે. આ કેનાલના પાણી રસ્તા પર તેમજ ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે. અંદાજે 500થી 600 વીઘા જમીનમાં પાકનું ધોવાણ થયુ છે. એક તરફ લોકોને પીવાના પાણી માટે ભર ઉનાળે રઝળપાટ કરવો પડે છે. બીજી તરફ ખેડુતોને જરૂરીયાતના સમયે સીંચાઈનું પાણી મળતુ નથી. ત્યારે દસાડામાં આવી રીતે કેનાલ ઓવરફલો થતા હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.










