વડોદરામાં ગ્રાહકની ફરિયાદ બાદ ફરસાણની દુકાન બંધ કરાવી દેવામાં આવી છે, લક્ષ્મી ફરસાણમાંથી ખરીદેલ મીઠાઈમાં ફંગશ નીકળી હતી અને તંત્રની નોટિસ બાદ પણ દુકાનદાર વસ્તુઓનું વેચાણ કરતો હોવાથી દુકાન બંધ કરી દેવામાં આવી છે, તંત્રએ લીધેલા મીઠાઈના નમૂના પણ અનસેફ આવ્યા હતા અને ગ્રાહકે અધિકારીને સાથે રાખી દુકાન બંધ કરાવી હોવાની વાત સામે આવી છે.
140 લીટર પાણીપૂરીનું પાણી અને ૭ કિલો પાઉંભાજીના મસાલાનો નાશ કરાયો
સમતા વિસ્તારમાં કૃણાલ ચાર રસ્તા પાસે VMCના પ્લોટમાં ધમધમતા ખાણી - પીણીના બજારમાં ખોરાક શાખાની ટીમે તપાસ કરી ૧૪૦ લીટર પાણીપુરીનું પાણી અને ૭ કિલો પાઉભાજીના મસાલાનો નાશ કર્યો હતો. તેમજ સાત લારી અને પાંચ દુકાનો બંધ કરાવી હતી. કૃણાલ ચાર રસ્તા પાસે ટીપી કપાતમાં VMCને મળેલા અનામત પ્લોટમાં ખાણી-પીણીનું બજાર ઉભું કરી દેવામાં આવ્યું છે. જેમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાતી ન હોવાનું તેમજ લાયસન્સ વગર કેટલીક લારી અને દુકાનો ચાલતી હોવાની ફરિયાદ મ્યુનિ. કોર્પોરેશનની ખોરાક શાખાને મળી હતી.
વડોદરામાં ફૂડ સેફ્ટી ઓફિસરોએ તપાસ કરી હતી
જેના આધારે ફૂડ સેફ્ટી ઓફિસરોએ તપાસ કરી હતી. જેમાં ૯ પૈકી ૪ લારીઓનું રજિસ્ટ્રેશન ન હોવાથી બંધ કરાવી હતી. તેમજ ફુટના બેપથારા અને ૩ લારીઓની હાઈજનિક કંડીશન સારી ન હોવાથી પગલાં લીધા હતા. આ સિવાય ૨૨ દુકાનો ચેક કરાઈ હતી. જેમાં ૩ દુકાનો લાયસન્સ કેટેગરીમાં આવતી હતી, પરંતુ વેપારીઓએ રજિસ્ટ્રેશન જ કરાવ્યું ન હતું. તેવી જ રીતે બે દુકાનદારો પાસે લાયસન્સ જ ન હતા. જેથી પાંચ દુકાનો બંધ કરાવી હતી. જે બાદ ફૂડ સેફ્ટી ઓફિસરોએ ૧૪૦ લીટર પાણીપુરીનું પાણી અને ૭ કિલો પાઉભાજીના મસાલાનો નાશ કર્યો હતો.









