• અકસ્માતના બ્લેક સ્પોટસ દૂર કરવા તાકીદ

  • બે હજાર કરોડના વિકાસ કામોની ગુજરાતને ભેટ
  • રોડ માટે વૃક્ષો કાપવા કરતા યોગ્ય જગાએ ટ્રાન્સપ્લાન્ટ વધુ ઉત્તમ

કેન્દ્રીય સડક પરિવહન-રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 82મા એન્યુઅલ ઈન્ડિયન રોડ કોંગ્રેસનો પ્રારંભ કરાવ્યો હતો, આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં દર વર્ષે પાંચ લાખ જેટલા અકસ્માત થાય છે, જેમાં ઘણી વાર ખામીયુક્ત રોડ એન્જિનિયરિંગ પણ જવાબદાર છે, લોકોના જીવ બચાવવા માટે એન્જિનિયરોને અકસ્માતના બ્લેક સ્પોટસ દૂર કરવા માટે તાકીદ કરી હતી. દેશમાં વર્ષે પાંચ લાખ અકસ્માતમાં 1.5 લાખ જેટલા લોકોનાં મોત થાય છે અને ત્રણ લાખ જેટલા લોકોને નાની મોટી ઈજા થતી હોય છે, જેનાથી દેશના જીડીપીને 3 ટકાનું નુકસાન થાય છે. દરેક અકસ્માતમાં વાહન ચાલકને દોષી માનવામાં આવે છે પણ રોડ એન્જિનિયરિંગમાં ખામી છે.

વૈકલ્પિક સામગ્રી અને નવી ટેક્નોલોજીનો ઉપયોગથી સમયસર પ્રોજેક્ટ પૂરા કરવા તેમજ ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના બાંધકામ ખર્ચમાં ઘટાડો લાવવાની તાકીદ કરતાં તેમણે કહ્યું કે, હું પણ અક્સ્માતનો ભોગ બન્યો હતો અને ચાર હાડકાં તૂટયા હતા. અકસ્માત મોતમાં 18થી 34 વર્ષના 60 ટકા જેટલા યુવાનો છે, ખામીયુક્ત એન્જિનિયરિંગના કારણે થતાં માર્ગ અકસ્માતને ટાળવા માટે કામ કરવું ખૂબ જરૂરી છે. ડિઝાઈન અને ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના પરફેક્ટ ડીપીઆર પર ફોકસ કરવા તાકીદ કરી હતી. સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓ તેમના એકાધિકારને કારણે કોઈ પણ કારણ વગર ભાવો વધારતા રહે છે, આ સ્થિતિમાં વૈકલ્પિક બાંધકામ સામગ્રીના ઉપયોગ તરફ જવાની જરૂર છે. સિવિલ ઈજનેરો આધુનિક ભારતના નિર્માતા-વિશ્વકર્મા છે.

રોડ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કોસ્ટ ઈફેક્ટિવ, અલટરનેટિવ મટિરિયલ ઓપ્શન, ઈકોલોજી એન્ડ એન્વાર્યમેન્ટલ પ્રોટેક્શન અને ટાઈમ મેનેજમેન્ટ એ ચાર બાબતો સૌથી મહત્ત્વની છે. આ બાબતોનો સંકલનના અભાવે પ્રોજેક્ટમાં વિલંબ થતાં હોય છે, જેને લીધે સરકાર અને કંપનીઓને કરોડોનું નુકસાન થાય છે. સારા હેતુ સાથે કરેલા કામોમાં ભૂલ થાય તો પણ તે ક્ષમ્ય છે પરંતુ બદઈરાદા સાથે કરેલા કાર્યો કદી માફ કરી શકાતા નથી.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ સેન્ટ્રલ રોડ ફંડ (સીઆરએફ)માં એક હજાર કરોડ તેમજ સેતુ ભારત હેઠળ 1 હજાર કરોડ એમ કુલ બે હજાર કરોડના વિકાસ કામોની ગુજરાતને ભેટ આપી હતી. કેન્દ્ર પાસે વિકાસ કામ કરવા માટે નાણાંની કમી નથી એટલે તમામ કામો મર્યાદા પહેલાં પૂરા થાય તે જરૂરી છે. પર્યાવરણના ભોગે વિકાસ યોગ્ય નથી, નવા રોડ બનાવવા માટે વૃક્ષો કાપવા કરતા તે વૃક્ષોનું યોગ્ય જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવું વધુ ઉત્તમ રહેશે. રોડ અકસ્માત ટોળવા કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ પર વધારે ધ્યાન આપવું પડશે.

રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગ્લોબલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા મુખ્યમંત્રીનો અનુરોધ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047 સાકાર કરવા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સડક બ્રિજ નિર્માણમાં ક્વોલિટી વર્ક એપ્રોચ અને ગ્લોબલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યમાં ટૂરીઝમ સરકિટ માટે 600 કરોડ અને સરહદી વિસ્તારોના ગામોને પાકા રસ્તાથી જોડવા માટે 500 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ તબક્કે રોડ ક્ષેત્રે રિસર્ચ રજૂ કરનારા વિવિધ રાજ્યોના ઈજનેરોનું એવોર્ડ આપી સન્માન કરાયું હતું.


  • Follow us on: