- સુપરસિડ કેમ ન કરવી તે મુદ્દે જવાબ આપવામાં ઢીલાશથી સરકારનું આકરૂ વલણ
- શહેરી વિકાસ વિભાગ દ્વારા 16 ફેબ્રુઆરી પહેલા જવાબ આપવા તાકીદ કરાઈ
- 30મી ઓક્ટોબરે મોરબીનો ઝુલતોપુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોનો ભોગ
135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે બહાના કાઢી જવાબ આપવાથી બચી રહેલા મોરબી નગરપાલિકા પ્રમુખને સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આખરીનામું આપી દેવામાં આવ્યું છે, શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવે આગામી તા.16મી પહેલા નગરપાલિકા બોડીને કેમ સુપરસીડ ન કરવી તે અંગેની નોટિસનો જવાબ આપી દેવા તાકીદ કરતા પાલિકાના સત્તાધીશો દોડતા થયા હોવાનું અને આવતીકાલે તા. 15 ના રોજ તાબડતોબ સામાન્ય સભા બોલાવવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.30મી ઓક્ટોબરના રોજ મોરબીનો ઐતિહાસિક ઝુલતોપુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોનો ભોગ લેવાતા આ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રિટ પિટિશન દાખલ કરી સરકારને આડેહાથ લેવાની સાથે અજંતા ઓરેવા કંપની સાથે ઝૂલતા પુલનો કરાર કરી સામાન્ય સભામાં કરારને કાયદેસરતા ન બક્ષનાર જવાબદાર પાલિકા તંત્રને સુપરસીડ કેમ નથી કરવામાં આવી તેવો સવાલ ઉઠાવતા શહેરી વિકાસ વિભાગ દ્વારા આ મામલે મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગે નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો હતો.










