- કેમિકલ કંપનીમાં આગના પગલે સમગ્ર વિસ્તાર ધણધણી ઊઠયો
- મોડી રાત્રે આગ લાગતા 27 કામદારો દાઝયા, 7 કામદાર ગુમ
- આગ ઓલવવા દરમિયાન વધુ એક વિસ્ફોટ થયો
સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રે 1.30 વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. આ આગની ઘટનામાં 27 કામદાર દાઝી ગયા છે. જ્યારે 7 કામદાર ગુમ હોવાનું મોડી સાંજે બહાર આવ્યું હતું. કેમિકલ બનાવતી કંપનીમાં બનેલી ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી વિભાગ દ્વારા સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક અસરથી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. હવે જ્યાં સુધી સેફ્ટીને લગતા નીતિ-નિયમોની પૂર્તતા નહીં થાય ત્યાં સુધી ઉત્પાદન બંધ રાખવા ફરમાન જારી કરાયું છે.
ઘટનાની જાણ ન કરાતા કલેક્ટરે ડિઝાસ્ટર મામલતદારને ખખડાવ્યા
સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કંપનીમાં લાગેલી વિકરાળ આગની ઘટના અંગે સુરત જિલ્લાના કલેક્ટર જ મોડે સુધી અજાણ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. રાત્રે 1.30 કલાકે બનેલી ગંભીર ઘટના સંદર્ભે ઉધના મામલતદાર અને ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર આશિષ નાયકે જિલ્લા કલેક્ટર આયુષ ઓકને માહિતગાર કરવાની તસ્દી સુધ્ધાં લીધી નહીં. ગંભીર ઘટનાની જાણ નહીં કરનારા ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર આશિષ નાયકનો ઉધડો લીધો હતો.
સમગ્ર ઘટના શું હતી ?
મંગળવારે મોડીરાતે દોઢેક વાગ્યાના અરસામાં સચિન જીઆઈડીસી સ્થિત રોડ નં. 8 પર આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ લિ. નામની રસાયણ કંપનીમાં રો-મટિરિયલ્સના વેરહાઉસની સામે ટ્રેક્ટા ડાયડ્રો ફર્ન (ટીએચએફ) ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ફાટી હતી. એથર ઇન્ડસ્ટ્રીઝની સામેની બાજુ આવેલી ઓફિસ બિલ્ડિંગના બારીના કાચ તૂટી ગયા હતા. ફાયર ફાઈટિંગ દરમિયાન મધરાતે ત્રણ વાગે વધુ એક બ્લાસ્ટ થતા લાશ્કરોને જીવ બચાવી ભાગવું પડયું હતું.
150 કર્મચારી કંપનીમાં હતા, બિલ્ડિંગ સ્ટેબિલિટી રિપોર્ટ બાદ તપાસ
એથર ઇન્ડસ્ટ્રીઝ લિ. રસાયણ કંપનીમાં ત્રણ શિફ્ટ અને એક જનરલ શિફ્ટમાં કર્મચારી કામ કરે છે. મંગળવારે મોડીરાતે આ દુર્ઘટના ઘટી તે સમયે કાયમી અને કોન્ટ્રાક્ટના મળી 150 જેટલા કર્મચારી કામ કરી રહ્યા હતા. જે પૈકી 27 કર્મચારી દાઝી ગયા હતા. દુર્ઘટના બાદ કંપનીમાં અવરજવર બંધ કરવામાં આવી છે. બિલ્ડિંગ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આવ્યા બાદ કંપનીમાં જઈને તપાસ કરવામાં આવશે.
આગના પગલે શેરનો ભાવ રૂા.77 તૂટયો
આગની ઘટના બાદ બુધવારે એથર ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એક જ દિવસમાં કંપનીનો શેર રૂ. 77 જેટલો તૂટયો હતો અને ઘટીને સીધો રૂપિયા 829. 40 ઉપર આવી ગયો હતો. એથર ઇન્ડસ્ટ્રીઝ વર્ષ 2013થી શરૂ થઈ છે. જેમાં ફાર્માસ્યૂટિકલ, એગ્રોકેમિકલ, કોટિંગ, હાઈ ક્લોલિટી ફોટોગ્રાફી, રાસાયણિક ઉદ્યોગના તેલ અને ગેસ સેગમેન્ટને લગતા કેમિકલ બને છે. આ ઉપરાંત કંપનીના સીએમડી અશ્વિન દેસાઈને વિશ્વવિખ્યાત ફોર્બ્સ મેગેઝિન-2023ની બિલિયોનેરની યાદીમાં પણ સ્થાન મળ્યું છે.