- સાથે તિરાડ, પ્રોટેક્શન વોલનો હિસ્સો તૂટી ગયો
- 6 મહિનામાં જ રસ્તાની અવદશા થતાં કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા
- તિરાળ પડવા સાથે તેની પ્રોટેક્શન વોલનો પણ કેટલોક હિસ્સો ધોવાઈને તૂટી ગયો
પારડીમાં નહેરની પાળ ઉપર પારડી નગરપાલિકા દ્વારા 6 માસ પહેલાં જ નિર્માણ કરાયેલા ડામર રોડમાં પ્રથમ વરસાદમાં જ તિરાળ પડવા સાથે તેની પ્રોટેક્શન વોલનો પણ કેટલોક હિસ્સો ધોવાઈને તૂટી ગયો છે. આ સાથે જ રસ્તાની કીમગીરીમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે.
પારડી નગરમાં કોલેજ રોડથી હાઈ-વે સર્વિસ રોડને જોડતો રસ્તો રૂપિયા દોઢેક કરોડના અંદાજિત ખર્ચે દમણગંગા નહેરની પાળ ઉપર બનાવવામાં આવ્યો હતો.
આ રસતો નિર્માણ કરાયો ત્યારે લેન્ડ લૂઝરો કે જેમણે નહેર માટે સિંચાઈના હેતુ માટે જમીન આપી હતી તેમણે વિરોધ કર્યો હતો. અને રાજ્ય સરકાર સુધી મામલો પહોંચ્યો હતો. જોકે તેમ છતાં અરજદારોની અરજીને ઘોળીને પી જઈ નગરપાલિકા દ્વારા આ રસ્તો નિર્માણ કરાયો હતો.
હવે માત્ર 6 માસમાં આ રસ્તામાં વચ્ચેથી તિરાડ પડી ડામર ઉખડવા લાગ્યો છે, એટલું જ નહી આ રસ્તાની બાજુએ રસ્તાનું ધોવાણ ન થાય અને કોઈ નહેરમાં બાજુના ખાડામાં ન પડે તે માટે પ્રોટેક્શન વોલ બનાવી હતી તે પણ કેટલોક ભાગ ધસી ગયો છે. હવે આ માત્ર 6 જ માસમાં આ દશા થઈ હોય રસ્તા નિર્માણમાં મોટો ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી રહી છે. આ અંગે તપાસ થવી પણ જરૂરી બની છે.