- 30 વર્ષના લગ્ન જીવન દરમ્યાન વારંવાર તકરાર થતી રહેતી હતી
- મહિલાના પતિએ ત્રણ વાર તલાક કહીઅને તલાક જાહેર કર્યો
- આરોપી શરીફભાઈ ગાંજાની રાણપુર પોલીસે અટકાયત કરી
બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ત્રિપલ તલાકનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ત્રિપલ તલાકના કેસમાં બોટાદના આરોપી શરીફ ગાંજાની રાણપુર પોલીસે અટકાયત કરી છે. રાણપુર ખાતે 50 વર્ષીય મહિલા દ્વારા તેના પતિ વિરુદ્ધ રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
50 વર્ષીય મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત થતી વિગતો મુજબ, રાણપુર ખાતે રહેતી 50 વર્ષીય મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના પતિ આરોપી શરીફ ગાંજા વિરુદ્ધ ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી માનસિક બીમાર છે. મહિલાએ 30 વર્ષના લગ્ન જીવન દરમિયાન છેલ્લા ઘણા સમયથી બંને પતિ-પત્ની વચ્ચે નાની મોટી તકરાર થતી રહેતી હતી.
પતિએ તેની પત્નીને ત્રણ વાર તલાક, તલાક..તલાક...કહીને તલાક આપી દીધા
બંને પતિ-પત્ની વચ્ચે વારંવાર થતી તકરારને કારણે મહિલાના પતિએ તેની પત્નીને ત્રણ વાર તલાક, તલાક..તલાક...કહીને તલાક આપી દીધા હતા. રાણપુર પોલીસ દ્વારા બે દિવસ પહેલાં મહિલાની ફરિયાદના આધારે મુસ્લિમ અધિનિયમ હેઠળ કલમ 498(3), 323, 504, 506 (2) મુસ્લિમ અધિનિયમ 2018 કલમ 3, 4 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહિલાની ફરિયાદને લઈને રાણપુર પોલીસે આરોપી પતિની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી.
2019માં લાવવામાં આવ્યો હતો કાયદો
દેશમાં ટ્રિપલ તલાક એટલે કે એક સાથે ત્રણ વખત 'તલાક' શબ્દ બોલીને પત્નીને છુટાછેડા આપવાને એક અપરાધ માનવામાં આવે છે. ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ વર્ષ 2019માં લોકસભા પછી રાજ્યસભામાંથી બહુમતિ સાથે પસાર થઈ ગયું હતું અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બન્યો હતો.
કાયદામાં કેવી છે જોગવાઇઓ?
- ત્રણ વખત 'તલાક' બોલીને પત્નીને છૂટાછેડા આપનાર પતિને મહત્તમ 3 વર્ષની સજા થઈ શકે છે.
- પીડીતા કે તેના સંબંધીઓ આવા તલાક બાબતે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી શકે છે.
- કોઈ પણ સ્વરૂપમાં આપેલી ત્રણ તલાક ગેર-કાયદે ગણાશે.
- જો કોઈ પણ મુસ્લિમ પતિ તેની પત્નીને ત્રણ વખત 'તલાક' બોલીને છૂટાછેડા આપશે તો તે ગેર-કાયદે ગણાશે. એટલે કે, તેણે આપેલા તલાક માન્ય રહેશે નહીં.
- જે કોઈ ત્રણ તલાક આપશે, તેને ત્રણ વર્ષની જેલની સજા અને દંડ પણ થઈ શકે છે.
- ત્રણ તલાક આપવા એ હવે બિનજામીનપાત્ર અને ગંભીર અપરાધ બની ગયો છે.
- ત્રણ તલાકથી પીડિત મહિલા પોતાના અને પોતાના સગીર વયના બાળકો માટે કોર્ટમાં ભરણ-પોષણનો દાવો કરી શકે છે.
- કેટલું ભરણ-પોષણ આપવું એ કોર્ટ નક્કી કરશે.
- મહિલા પોતાના સગીર વયના બાળકોની કસ્ટડી માટે પણ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.









