નાસાના અભિયાનને મળી સફળતા. સુનિતા વિલિયમ્સ તેમના સહયોગી બૂચ વિલ્મોર સાથે 19 માર્ચના રોજ વહેલી સવારે અંતરિક્ષમાંથી પૃથ્વી પર પરત ફર્યા છે. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સફળ ઉતરાણથી દુનિયાની સાથે તેમના માદરે વતન ઝુલાસણ ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરે તેને લઈને તેમના પૈતૃક ગામ ઝુલાસણમાં 9 મહિનાથી અખંડ જ્યોત પ્રગટી રહી છે. અને હવે તેમના સફળ ઉતરાણ બાદ ઝુલાસણના ગ્રામજનો દ્વારા દોલા માતાના મંદિરથી હાઈસ્કુલ સુધી શોભાયાત્રા કાઢી આ અખંડ જ્યોતનું વિસર્જન કરવામાં આવશે.
આખરે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી
સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણના ગ્રામજનોએ કહ્યું કે આખરે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી. અમારા છેલ્લા 24 કલાક વધારે કટોકટીભર્યા હતા. કારણ કે જ્યારે ગ્રામજનોને મીડિયા દ્વારા સમાચાર મળ્યા કે સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરવાના છે તે દિવસથી આજ સવાર સુધી તમામ લોકો મંદિરમાં ધુન લગાવી સુનિતા સહિત અન્ય અવકાશયાત્રીઓની રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આજે સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે આવતા દોલા માતાના મંદિરમાં છેલ્લા 9 મહિનાથી જે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી તેનું વિસર્જન કરવામાં આવશે. સુનિતા વિલિયમ્સનું સફળ ઉતરાણ એ દોલા માતાજીના આર્શીવાદ અને અખંડ જ્યોતની આસ્થાનો વિજય હોવાનું ગ્રામજનો માને છે.
અખંડ જ્યોતનો કર્યો સંકલ્પ
નાસાના અંતરિક્ષ મિશનમાં સુનિતા વિલિયમ્સ અને તેના સહયોગી 8 દિવસમાં પરત ફરવાના હતા. પરંતુ સ્પેશયાનમાં ખામી સર્જાતા બંને અવકાશયાત્રી 13 જૂને પરત ફરી શકયા નહીં. અને ગ્રામજનોને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તમામ લોકો ચિંતિત થયા. અને ગામમાં આવેલ દોલા માતાજીના મંદિરમાં સુનિતા વિલિયમ્સની રક્ષા માટે અખંડ જ્યોત પ્રગટાવી. ગામના લોકોને દોલા માતાજીમાં પૂર્ણ આસ્થા હોવાથી તમામે નિર્ણય કર્યો કે જ્યાં સુધી સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રિતે ધરતી પર પાછા નહીં ફરે ત્યાં સુધી આ અખંડ જ્યોત આમ જ ચાલુ રહેશે. સુનિતા વિલિયમ્સની રક્ષા માટે ગ્રામજનોએ માતાજીની અરજી કરી કે ગામની દિકરી પર સંકટ આવી પડ્યું છે મા, દિકરી હેમખેમ ઘરે પાછી આવે તેવી અમારી આજીજી છે. અને આખરે ગ્રામજનોની આસ્થા અને શ્રદ્ધા આજે પરીપૂર્ણ થઈ છે અને ગામની દિકરી સુનિતા સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરી.
અખંડ જ્યોતનું કરાશે વિસર્જન
આપણામાં એટલે જ કહેવાય છે કે જ્યાં આસ્થાની હોય વાત ત્યાં વિજય થાય છે સુનિશ્ચિત. હિંદુ પરંપરામાં અનેક અવસર પર અખંડ જ્યોત પ્રજવલિત કરવામાં આવે છે. વિશેષ કરીને નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરોમાં તેમજ ભગવાન ગણેશની પૂજા કરતી વખતે લોકો પોતાના ઘરે ઘટ સ્થાપન કરે ત્યારે અખંડ જયોત રાખી પૂજા અર્ચના કરતા હોય છે. આ ઉપરાંત લોકો જ્યારે પણ પોતાના ઘરે શુભકાર્ય રાખે ત્યારે અખંડ જ્યોત રાખવાનો સંકલ્પ કરતા હોય છે. અને પોતાનું કાર્ય પૂર્ણ થતાં આ અખંડ જ્યોતનું વિસર્જન કરે છે. આજે ઝુલાસણ ગામના લોકો દિકરી સુનિતા વિલિયમ્સની રક્ષા માટે 9 મહિનાથી રાખેલ જ્યોતનું વિસર્જન કરશે.









