- આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ આવશે
- 16 અને 17 સપ્ટેમ્બર 2 દિવસ ભારે વરસાદની આગાહી
- ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદ રહેશે
ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ 16 અને 17 સપ્ટેમ્બર 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. તથા ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
બનાસકાંઠા, સાબરકાંઠામાં 48 કલાકમાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠામાં 48 કલાકમાં વરસાદની આગાહી છે. તેમજ અમરેલી, ભાવનગર, દીવ, જૂનાગઢમાં પણ વરસાદ રહેશે. પોરબંદર, બોટાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા બની ગયો છે અને એકાદ દિવસમાં તે વધારે મજબૂત બને તેવી શક્યતા છે. બંગાળની ખાડીની આ સિસ્ટમ મજબૂત બન્યા બાદ તે ઓડિશા, છત્તીસગઢ પર થઈને મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે, આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે.
રાજ્યમાં 16થી 17 સપ્ટેમ્બરની આસપાસથી હવામાન પલટાશે
સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી વરસાદ નથી અને તેની અસર ઊભા પાક પર થઈ રહી છે. ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે પાકમાં નુકસાનના સમાચાર આવી રહ્યા છે અને જો હજી વધારે વરસાદ ખેંચાય તો અનેક વિસ્તારોમાં ચોમાસું ઉત્પાદન પર અસર પડવાની શક્યતા છે. ઓડિશા અને છત્તીસગઢ પરથી થઈને મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રના વિસ્તારો પર 16 તારીખની આસપાસ પહોંચે તેવી શક્યતા છે. જેથી રાજ્યમાં 16થી 17 સપ્ટેમ્બરની આસપાસથી હવામાન પલટાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે.









